માર્ગ સલામતી માસ 2025: મહાદેવનગર ખાતે ‘સડક સુરક્ષા અભિયાન – કાળજી’ કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: માર્ગ સલામતી માસ 2025ના ભાગરૂપે આરટીઓ અમદાવાદ અને બ્રહ્માકુમારીઝની ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગના સંયુક્ત ઉપક્રમે મહાદેવનગરમાં ‘સડક સુરક્ષા અભિયાન – કાળજી’ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં પ્રાદેશિક પરિવહન કાર્યાલયના એન.એન. બક્ષીએ ટ્રાફિક નિયમોની મહત્વતા અંગે જણાવતાં કહ્યું કે, “ટ્રાફિક નિયમોનું પાલન ફક્ત પોલીસના ડરથી નહીં, પરંતુ આપણી સલામતી માટે કરવું જોઈએ. હેલ્મેટ પહેરવું આપણું દાયિત્વ છે.”
બ્રહ્માકુમારી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ વિંગના ચેરમેન બી.કે. દિવ્યપ્રભા દીદીએ માર્ગ સલામતીમાં પરિવર્તન લાવવાના મહત્વ પર ભાર મૂક્યો. બાળકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે શિક્ષણ અને મેડિટેશન દ્વારા મનને સંયમિત રાખીને ટ્રાફિક સંચાલનમાં સુધારાની વાત રજૂ કરી.
રાજયોગ શિક્ષક બી.કે. કવિતા બહેને ટ્રાફિક નિયમોના પાલનમાં સામાજિક જાગૃતતા અને અનુશાસિત માનસિકતાની જરૂરિયાત વ્યક્ત કરી.
કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક સિગ્નલ અને સલામતીના નિયમો સમજાવવા માટે વિવિધ વિડીયો દર્શાવાયા. સાથે જ એક લઘુ નાટિકા દ્વારા માર્ગ સલામતીના મહત્વ અને જીવન બચાવવાના સંદેશો આપ્યા હતા.
આ પ્રસંગે આરટીઓ નિરીક્ષક કે.વી. ચાવડા, પી.જે. વસાવા, રોડ સેફ્ટી કોઓર્ડિનેટર સિકંદર, જગદીશ ઝુલા અને પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રજાજનોની ઉપસ્થિતિ રહી.
માર્ગ સલામતી અભિયાનના માધ્યમથી પ્રજામાં નિયમો પ્રત્યેની જાગૃતતા લાવવા માટે આ કાર્યક્રમ એક મજબૂત પગલું સાબિત થયું.








