કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિત શાહના કરકમળે આગથળા ખાતે “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ”નું ભવ્ય લોકાર્પણ કરાયું

8 ડિસેમ્બર જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
કેન્દ્રીય સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી, અળસિયાં ઉછેર અંગે સંવાદ કર્યો.આગથળા બાયોગેસ પ્લાન્ટ દરરોજ 1,00,000 કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે.ઓર્ગેનિક ખેતી, કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં દેશનું આગવુ મોડેલ.બનાસકાંઠાના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાતા આગથળામાં સ્થપાયેલ “બનાસ બાયો-સીએનજી – બનાસ મોડેલ” પ્લાન્ટનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યું હતું. તેમણે સમગ્ર પ્લાન્ટની મુલાકાત કરી તેની કાર્ય પદ્ધતિ જાણી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે બનાસ ડેરી સાથે જોડાયેલી પશુપાલક મહિલાઓ સાથે ખેતી, પશુપાલન, મધ ઉછેર, બટાકાની ખેતી, અળસિયાં ઉછેર અંગે સંવાદ કર્યો હતો. આ પ્રોજેક્ટના લોકાર્પણથી ડેરી ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપતા આ પ્રોજેક્ટથી જિલ્લામાં ખેડૂતોને વધારાની આવક, સ્વચ્છ ઊર્જા અને માટીના સ્વાસ્થ્યમાં ક્રાંતિકારી સુધારાનો માર્ગ ખુલ્યો છે.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ભાઈ ચૌધરી, મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર, પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.બાયો-સીએનજી – બનાસ મોડેલ” પ્લાન્ટની
મુખ્ય વિશેષતાઓ,ગાયના છાણની સીધી ખરીદી:
પ્લાન્ટ દ્વારા ગાયનું છાણ પ્રતિ કિલો રૂ. 1 ના દરે ખરીદવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 5.5 કરોડ કિલો છાણની ખરીદી થઈ ચૂકી છે, જેનાથી 30 કિમી ત્રિજ્યાના ખેડૂતોને સ્થિર આવક મળી રહી છે.દિવસની ક્ષમતા અને લાભ:
આગથળા બાયોગેસ પ્લાન્ટ દરરોજ 1,00,000 કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે, જેના સીધા લાભનો વિસ્તાર લગભગ 30 કિમી સુધી ફેલાયેલો છે.બાયો-સીએનજી ઉત્પાદન:
પ્લાન્ટ દરરોજ 1,900 કિલો બાયો-સીએનજી ઉત્પન્ન કરે છે. અહીં ઓનસાઇટ સીએનજી પંપ દ્વારા બાયો-સીએનજીને બજાર ભાવ કરતાં રૂ. 2 ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ભૂમિ અમૃત – ઉચ્ચ ગુણવત્તાના કાર્બનિક ખાતરો:
પ્રોસેસ થયેલી સ્લરીમાંથી “ભૂમિ અમૃત” નામના પ્રમાણિત ઘન અને પ્રવાહી કાર્બનિક ખાતરો તૈયાર થાય છે. આ ખાતરો માટીના સ્વાસ્થ્યમાં સુધારો, ઉત્પાદનક્ષમતા વધારો અને રસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ છે.કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો:58 કરોડના મૂડીરોકાણ અને 12 કરોડના વાર્ષિક સંચાલન ખર્ચ સાથે ચાલતા આ પ્લાન્ટ દ્વારા દર વર્ષે 6,750 ટન CO₂ સમકક્ષ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં આવે છે.
હાલમાં 5 આવા પ્લાન્ટની સ્થાપનાની પ્રક્રિયા તબક્કાવાર આગળ વધી રહી છે. બનાસકાંઠામાં આગામી સમયમાં કુલ 25 પ્લાન્ટ શરૂ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જે જિલ્લાને ઓર્ગેનિક ખેતી, કચરા વ્યવસ્થાપન અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં દેશનું આગવુ મોડેલ બનાવશે.ખેડૂતો માટે વિશેષ લાભ.આ પ્રોજેક્ટથી ગાયના છાણમાંથી વધારાની આવક સાથે ડેરી કચરાને મૂલ્યવર્ધિત ઉત્પાદનમાં ફેરવવાનું ઉત્તમ ગોળાકાર અર્થતંત્ર સર્જાયું છે. “ભૂમિ અમૃત” ખાતરના ઉપયોગથી જમીનનું પોષણ જળવાઈ રહે છે અને વધુ ઉપજ મેળવી શકાય છે. સાથે જ દરરોજ ઉત્પન્ન થતું બાયો-સીએનજી અશ્મિભૂત ઇંધણનો સ્વચ્છ વિકલ્પ પૂરું પાડે છે.આ પ્લાન્ટ બનાસકાંઠાના સ્થાયી વિકાસ, ગૌ આધારિત અર્થતંત્ર અને પર્યાવરણ સંરક્ષણ તરફનું અનોખું પગલું બની રહ્યું છે જે ખરા અર્થમાં બનાસ મોડેલ ગણી શકાય છે.













