પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા ટોળા વિરુદ્ધ પાનોલી પોલીસે ગુનો દાખલ કર્યો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી ચોરની અફવા વચ્ચે નિર્દોષ લોકો ટોળાના રોષનો ભોગ બની રહયાં છે. અંકલેશ્વરના ભાદી ગામે ચોર હોવાની આશંકાએ એક યુવાનને લોકોએ માર્યો હતો. અત્યાર સુધીમાં વાલિયાના સોડગામ, હાંસોટના ઘોડાદરામાં યુવાનોને જયારે ભરૂચ અને પ્રતાપનગરમાં સાધુઓને માર મારવાની ઘટના બની ચુકી છે. ભાદી ગામે વધુ એક યુવાનને ચોર હોવાની શંકાએ ટોળાએ માર્યો હતો.પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવાનને છોડાવ્યો હતો. ટોળાએ પોલીસ કામગીરીમાં પણ રુકાવટ ઉભી કરી હતી અને યુવાન ને લઇ જતી વેળા પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. પી.આઈ. શિલ્પા દેસાઈએ અંતે ભાદી ગામ ના ટોળા વિરુદ્ધ ચોર સમજી ઈસમ ને માર મારવા બદલ તેમજ કામગીરીમાં રુકાવટ બદલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે કોમ્બિંગ શરુ કરી વિડીયો આધારે હાલ 21 વ્યક્તિની ધરપકડ કરી હતી અને તમામને જેલભેગા કર્યા હતા. હજુ પણ વિડીયો ફૂટેજ આધારે અન્ય લોકોની ધરપકડ કરવા માટે પોલીસ દ્વારા કવાયત ચાલી રહી છે. ટોળાએ જેને માર માર્યો તે યુવાન શ્રમિક હતો અને નશાની હાલતમાં વાણીવિલાસ કરી રહયો હતો.