GUJARATPANCHMAHALSHEHERA

ગોધરાના કાંકણપુર-છકકડીયા રોડ પર આરટીઓની કાર્યવાહી: 13 ટ્રકોને મેમો, 1 ટ્રક ડિટેઇન, કુલ ₹1.24 લાખનો દંડ

સ્થાનિકોની રજૂઆત બાદ ટોલ ટેક્સ બચાવવા બેફામ બનેલા વાહનચાલકો સામે તંત્રની લાલ આંખ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ બચાવવા માટે ગોધરા તાલુકાના કાંકણપુરથી છકકડીયા રોડનો બેફામ ઉપયોગ કરી રહેલા મોટા ટ્રકો અને ડમ્પરોને કારણે સ્થાનિક લોકોમાં અકસ્માતનો ભય વ્યાપ્યો હતો. આ માર્ગ પર ગાડીઓની અવરજવરમાં ભારે ઘસારો અને અગાઉ સર્જાયેલા અકસ્માતોને પગલે સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નિયંત્રણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતોને પગલે આર.ટી.ઓ. વિભાગના અધિકારી બી.એ. ચાવડાના નેતૃત્વમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છકકડીયાથી કાંકણપુર રોડ પરથી પસાર થતાં ટ્રકોને રોકીને ઓવરલોડ, આર.સી. બુક, વીમો, લાયસન્સ, ટેક્સ, પી.યુ.સી. જેવા માર્ગ સલામતીને લગતા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન કુલ 13 ટ્રકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને કુલ ₹1,07,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એક ટ્રકનો ટેક્સ બાકી હોવાથી તેને ડિટેઇન કરવામાં આવી હતી, જેની અંદાજિત રકમ ₹17,000 આંકવામાં આવી છે. આમ, વાહનચાલકોને કુલ ₹1,24,500નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આર.ટી.ઓ. વિભાગની આ કાર્યવાહીને સ્થાનિક લોકોએ આવકારી હતી અને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ સમયાંતરે આવી જ રીતે તપાસ ઝુંબેશ ચલાવવામાં આવે, જેથી બેફામ વાહનચાલકો પર અંકુશ લાવી શકાય અને કોઇ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો ન આવે. આ પ્રકારની કાર્યવાહીથી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે તેવો આશાવાદ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!