Rajkot: કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં મોવૈયા, ખામટામાં કન્યા કેળવણી મહોત્સવ – શાળા પ્રવેશોત્સવ યોજાયો

તા.૨૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ધોરણ-૧, બાલવાડી તથા આંગણવાડીમાં ભૂલકાઓનો આનંદમય પ્રવેશ કરાવાયો
Rajkot: રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌ-સંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોવૈયા તથા ખામટા ગામની પ્રાથમિક શાળા ખાતે ૨૧મો કન્યા કેળવણી ઉત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં આંગણવાડી, બાલવાડી તથા ધોરણ-૧માં બાળકોનો ઉલ્લાસમય શાળા પ્રવેશ કરાવાયો હતો.
આ તકે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે તનતોડ પ્રયાસો કર્યા હતા. રાજ્યના તમામ બાળકોના શાળાપ્રવેશની નેમ સાથે વર્ષ તેમણે ૨૦૦૨-૦૩માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ આ પગલાંઓને અનુસરીને રાજ્યમાં શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા સતત પ્રયત્નશીલ છે.
મંત્રીશ્રીએ આ તકે શાળામાં પ્રવેશ લેનારા બાળકોને ઉજ્જવળ ભવિષ્યની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યની દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે નમો સરસ્વતી તથા નમો લક્ષ્મી યોજના શરૂ કરી છે.
મોવૈયા ખાતે કુમાર શાળા તથા કન્યા શાળાના સંયુક્ત પ્રવેશોત્સવમાં બાલવાટિકામાં ૧૨ કુમાર તથા ૨૩ કન્યા મળીને કુલ ૩૫ બાળકો ક્યારે સીધા ધોરણ ૧માં ૩ કુમાર અને ૩ કન્યા મળીને કુલ ૦૬ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.
જ્યારે ખામટા એમ.જે.એમ. પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં ૮ કુમાર તથા ૨ કન્યા મળીને ૧૦ બાળકો તથા બાલવાટિકામાં ૮ કુમાર તથા ૩ કન્યા મળીને ૧૧ બાળકોનો શાળા પ્રવેશ કરાવાયો હતો.
આ તકે શાળાના બાળકોને શિક્ષણ કીટ તેમજ આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણકિટ સાથે પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોવૈયાના કાર્યક્રમમાં નાયબ કર કમિશનર સુશ્રી મલ્લિકા બલાત, પડધરી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રોહિત ચાવડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ગૌતમ ભીમાણી તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીઓ જ્યારે ખામટા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નિલેશ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દીક્ષિત પટેલ, ક્યુ.ઈ.એમ. સેલ-ગાંધીનગરના કો-ઓર્ડીનેટર શ્રી અતુલ પંચાલ, નાયબ જિલ્લા પ્રાથમિક અધિકારી શ્રી અશોકભાઈ વાણવી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વૈભવ ગોરિયા, પડધરી મામલતદાર શ્રી કે.જી. ચુડાસમા, ટી.પી ઈ.ઓ. સુશ્રી દિપ્તીબેન આદરેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.






