UP થી ખોવાયેલા બાળકનું બાળ કલ્યાણ સમિતિ અને બાળ સુરક્ષા એકમ નવસારીના સંયુક્ત પ્રયાસોથી પરિવાર સાથે પુન:મિલન….
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
૨૭ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કંજાસ નામના નાનકડા ગામનો એક બાળક પોતાના પિતરાઈ ભાઈઓ સાથે રજાઓમાં ફરવા માટે વાપી આવ્યો હતો. પણ કોઈ કારણોસર ભાઈઓથી વિખુટો પડ્યો હતો અને તે ખોવાયેલું બાળક વાપી પોલીસને મળ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ પોલીસે ખોવાયેલ બાળકને બાળ કલ્યાણ સમિતિ વલસાડ સમક્ષ રજૂ કર્યું હતું અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ધરાસણા ખાતે બાળકને સાર સંભાળ માટે મુકવામાં આવ્યો હતો. ત્યાં પ્રાથમિક કાઉન્સેલીંગ બાદ વધુ માહિતી પ્રાપ્ત થાય તે હેતુસર આ બાળકને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,ખૂંધ-ચીખલીમાં પ્રવેશ આપી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યુ હતું.
ઉત્તરપ્રદેશથી ખોવાયેલ બાળકને બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ,નવસારીના સંયુક્ત પ્રયાસોથી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. બાળ કલ્યાણ સમિતિના જણાવ્યાનુસાર સદર બાળકને સમિતિ સમક્ષ રજુ કર્યો બાદ બાળકનું કાઉન્સેલિંગ કરાવેલ તેમજ બાળક સાથે ચર્ચા કરેલ કાઉન્સેલરો દ્વારા બાળકની અનુકૂળતા પ્રમાણે, એની મનોવૈજ્ઞાનિક સ્થિતિ સમજી ને લગભગ એક અઠવાડિયા સુધી બાળક પાસેથી કેટલીક વિગતો મેળવવાનો પ્રયત્ન કર્યો. જેમાં બાળક ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રતાપગઢ જિલ્લાના કંજાસ ગામના વતની હોવાનું માલુમ પડ્યું હતું .
બાળકને પરિવાર સાથે વહેલી તકે મિલાપ કરાવવાનું હોય તેના વાલી વારસ અને પરિવારને શોધવા માટે
નવસારી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દવરા ઉતરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાની સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી બાળકના સમગ્ર પરિવાર ને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને બાળકને પરિવાર સાથે મિલન કરાવવા અને કુટુંબમાં પુનઃસ્થાપન કરાવવા બાળકને ઉત્તરપ્રદેશ પ્રતાપગઢ તબદીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે .
નવસારી જિલ્લા બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ દ્વારા ઉતર પ્રદેશથી વિખુટા પડેલ બાળકના પરિવારની શોધ તેમજ એક પરિવારને એનું ખોવાયેલું બાળક પાછું મેળવવામાં સફળ પ્રયાસ કર્યો છે જેમાં મહત્વ ની ભૂમિકા ભજવનાર સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે .