વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરકાંઠા–અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાશે ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા.

અહેવાલ:- પ્રતિક ભોઈ
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરકાંઠા–અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં યોજાશે ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા.
કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા ના પવિત્ર હેતુ સાથે ભગવાન શ્રી રામના આદર્શો અને સંદેશને જનજન સુધી પહોંચાડવા નીકળશે શોભાયાત્રા
સાબરકાંઠા ના હિંમતનગર , પ્રાંતિજ, ઇડર , ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર ,દંતોડ,પોશીના, મહેતાપુરા તથા અરવલ્લી જિલ્લા ના મોડાસા, બાયડ, ભિલોડા વગેરે સ્થાનો થી નીકળશે શોભાયાત્રા. જેમાં હજારો ની સંખ્યામાં જોડાશે રામ ભક્તો. આ શોભાયાત્રા દ્વારા સમાજમાં એકતા, સંસ્કાર અને સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયત્ન છે. ભગવાન શ્રી રામનું જીવન સત્ય, ધર્મ, કર્તવ્ય અને આદર્શ જીવનનું પ્રતિક છે. આજના સમયમાં તેમના સંદેશને સમાજ સુધી પહોંચાડવાની અત્યંત જરૂરિયાત છે, જેના માધ્યમથી પરિવારમાં સંસ્કાર અને સમાજમાં સમરસતા વધશે.
આ પવિત્ર કાર્યક્રમમાં વિસ્તારના પ્રતિષ્ઠિત સંતો અને મહંતો પોતાની પવિત્ર ઉપસ્થિતિ દ્વારા કાર્યક્રમને આશીર્વાદ આપશે. ઉપરાંત, વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાશે, જે સમગ્ર યાત્રાને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવશે.
આ શોભાયાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ હિન્દુ સંગઠનો, યુવા શક્તિના પ્રતિકરૂપ દુર્ગાવાહિની અને બજરંગદળના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાશે. તેમની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વિશાળ અને પ્રભાવશાળી બનાવશે.
શોભાયાત્રા દરમિયાન ભગવાન શ્રી રામના જીવનપ્રસંગો, ભજન-કીર્તન અને ધાર્મિક ઝાંખીઓ દ્વારા સમાજમાં સંસ્કાર, એકતા અને રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવશે. આ કાર્યક્રમ દરેક વર્ગના લોકો માટે પ્રેરણાદાયક બની રહેશે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમામ સનાતનીઓ ને આ પવિત્ર શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. આપ સૌ પરિવાર સાથે ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામના આદર્શોને જીવનમાં ઉતારવા માટે સંકલ્પ લઈએ અને સમાજમાં સમરસતા તથા સદભાવનાનું વાતાવરણ ઉભું કરીએ એવી પ્રાથના છે.
વિશ્વ હિન્દુ પરિષદ ના ઉત્તર ગુજરાત ના પ્રાંત મંત્રી શ્રી નલીનભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર હિંમતનગર માં આ શોભાયાત્રા બપોરે ૩:૩૦ ક્લાકે શ્રી રામજી મંદિર છાપરીયા થી નીકળી, છાપરીયા ચાર રસ્તા , ટાવર ચોક થી ગાંધી રોડ, સબજેલ રોડ થી અંડરબ્રિજ થઈ શ્રી રામજી મંદિર ખાતે આરતી કરી વિરામ પામશે. મહેતાપુરા ખાતે સવારે ૯:૩૦ કલાકે શોભાયાત્રા હનુમાનજી મંદિર , ત્રિવેણી સ્કૂલ પાછળ થી નીકળી ૧૨ ક્લાકે શ્રી રામજી મંદિર મહેતાપુરા વિરામ પામશે. પ્રાંતિજ ખાતે યોજાનાર શોભાયાત્રા સવારે ૮ કલાકે પંખીઘર, નાની ભાગોળ થી પ્રસ્થાન કરશે જેમાં ૮૨ ગામો ની ભજન મંડળીઓ પણ સવિશેષ જોડાશે . ઇડર ખાતે સવારે ૯ ક્લાકે શ્રી રામજી મંદિર , બસસ્ટેન્ડ સામે થી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. ખેડબ્રહ્મા માં સાંજે ૪ ક્લાકે અંબિકા માતાજી મંદિર થી , વડાલી સવારે ૮ ક્લાકે રામજીમંદિર થી , પોશીના સવારે ૧૦ ક્લાકે લહેરીપુરા જનસેવાની સામે થી , વિજયનગર બપોરે ૨ ક્લાકે શ્રી રામજીમંદિર થી , દંતોડ ખાતે સવારે ૮ ક્લાકે પંચમુખી હનુમાન થી શોભાયાત્રા પ્રસ્થાન કરશે.
અરવલ્લી જિલ્લા માં મોડાસા ખાતે સાંજે ૪:૩૦ ક્લાકે કલ્યાણ ચોક થી , બાયડ માં સવારે ૯:૦૦ ક્લાકે વૈષ્ણવદેવી શનિદેવ નવગ્રહ ધામ થી , ભિલોડા ખાતે બપોરે ૨:૦૦ કલાકે હનુમાનજી મંદિર થી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આપ સર્વે અચૂક મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેશો એવો એમનો ખાસ આગ્રહ પણ છે . આ ઉપરાંત વિશેષ માં તેઓ એ જણાવ્યું હતું કે બન્ને જિલ્લા માં આ સપ્તાહ માં આશરે ૨૫૦ થી વધુ એક ક્લાક ના રામોત્સવ ના કાર્યક્રમો પણ વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે . જય શ્રી રામ



