IDARSABARKANTHA

અરવલ્લી પર્વતમાળા પર મંડરાતા ગંભીર ખતરા અને વિરોધનો મજબૂત અવાજ: સ્થાનિક લોકોની ઐતિહાસિક બેઠક


**અરવલ્લી પર્વતમાળા પર મંડરાતા ગંભીર ખતરા અને વિરોધનો મજબૂત અવાજ: સ્થાનિક લોકોની ઐતિહાસિક બેઠક**

**પાલ (સાબરકાંઠા), ૨૨ ડિસેમ્બર ૨૦૨૫:** અરવલ્લી પર્વતમાળા, જે ભારતની સૌથી પ્રાચીન પર્વત શૃંખલા છે અને ઉત્તર ભારતના પર્યાવરણીય સંતુલનનું મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, તેના અસ્તિત્વ પર હાલમાં મોટો સંકટનો વાદળ ઘેરાયેલો છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી અરવલ્લીની વ્યાખ્યા બદલાઈ છે, જેમાં માત્ર ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા પહાડોને જ અરવલ્લી તરીકે માન્યતા આપવામાં આવી છે. આના પરિણામે લગભગ ૯૦% પહાડો સંરક્ષણની મર્યાદામાંથી બહાર થઈ જશે, જેનાથી ખાણકામ, બેફામ બાંધકામ અને અન્ય વિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાની ગંભીર આશંકા છે. આ નિર્ણય મોટા બિઝનેસ હિતોને લાભ પહોંચાડી શકે છે, પરંતુ તેની કિંમત પર્યાવરણ અને સ્થાનિક સમુદાયોને ચૂકવવી પડશે.

અરવલ્લી પર્વતમાળા ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી છે અને તે થાર રણના વિસ્તારને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેના નીચા પહાડો પણ ગ્રાઉન્ડવોટર રિચાર્જ, વન્યજીવોના આવાસ અને જૈવવિવિધતાના સંરક્ષણમાં અત્યંત મહત્વપૂર્ણ છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે, અરવલ્લીના મોટા ભાગના પહાડો ૧૦૦ મીટરથી નીચા હોવાથી આ નિર્ણયથી પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના વિસ્તારો રણમાં ફેરવાઈ શકે છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી જિલ્લા તેમજ રાજસ્થાન અને હરિયાણાના વિસ્તારો પર તેની સીધી અને વિનાશક અસર પડશે. અહીંના ઝરણાં, વનસ્પતિ, વન્યજીવો, નાના ખેડૂતો અને આદિવાસી સમુદાયોનું જીવન અરવલ્લી સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આ પર્વતમાળા ન માત્ર પાણીના સ્ત્રોતોને જીવંત રાખે છે, પરંતુ વાયુ પ્રદૂષણ અને ધૂળના તોફાનોને પણ રોકે છે.

આ મુદ્દે વ્યાપક ચિંતા વ્યક્ત થઈ રહી છે અને “અરવલ્લી બચાવો–દેશ બચાવો” જેવા જનહસ્તાક્ષર અભિયાનો ચાલી રહ્યા છે. . જો આ નિર્ણય બદલાશે નહીં તો મોટા પાયે લોકવિરોધ, આંદોલનો અને કાનૂની લડત થવાની સંપૂર્ણ શક્યતા છે. પર્યાવરણવાદીઓ અને સ્થાનિકો માને છે કે આ નિર્ણય પર્યાવરણીય વિનાશનું કારણ બની શકે છે.

આજે સોમવારે સવારે ૯:૩૦ વાગે વિરાંજલિ-વન, પાલ ખાતે સ્થાનિક લોકોની એક મહત્વની અને ઉત્સાહપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો, આદિવાસીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને તેના પરિણામો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી. સહભાગીઓએ એક અવાજે વિરોધ નોંધાવવાનો અને આગળની લડત માટે વ્યૂહરચના બનાવવાનો નિર્ણય લીધો.

આયોજકોએ જણાવ્યું કે, “આપણા હક્કો અને પર્યાવરણના સંરક્ષણ માટે હવે મક્કમતાથી લડવું પડશે. આજે જાગીએ નહીં તો આગળ કોઈ જગાડશે નહીં. અરવલ્લી આપણી ઓળખ છે, આપણું જીવન છે.” બેઠકમાં ઉપસ્થિત લોકોએ અરવલ્લીના સંરક્ષણ માટે મજબૂત સંકલ્પ લીધો અને “અરવલ્લી ગિરિમાળામાં અમારી શાન હૈ” તેવા જોરદાર નારા લગાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે જો નિર્ણય પાછો નહીં ખેંચવામાં આવે તો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ બેઠક અરવલ્લીના સંરક્ષણ માટેના વધતા જતા જનઆંદોલનનું એક મહત્વનું પગલું છે. સ્થાનિક લોકોનો આ ઉત્સાહ અને એકતા દર્શાવે છે કે અરવલ્લી માત્ર પહાડો નથી, પરંતુ તેમના જીવનનો અભિન્ન હિસ્સો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!