KUTCH

કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ.

15-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ : – જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદે ચર્ચા કરવા સાથે ધારાસભ્યોશ્રીએ તાલુકાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો ત્વરાએ નિકાલ સંબંધિત અધિકારીશ્રીઓને કલેકટરશ્રી દ્વારા તાકીદની સૂચના આપવામાં આવી હતી.બેઠકમાં અબડાસાના ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ જે કચ્છ બહાર અને બીજા તાલુકાઓમાં વસવાટ કરી રહ્યા છે તેના નાગરિકત્વ તેમજ કચ્છમાં વસવાટ સંલગ્ન પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સાથે અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકામાં હાલમાં ગ્રામ પંચાયત હસ્તકના પાણીના કે પાણી પુરવઠા હસ્તકના પાણીના સ્ત્રોત પરના વીજકનેકશન તેમજ બાકી વીજકનેકશનની માહિતી તેમજ કોલ અંગેની માહિતીની માંગણી કરી હતી. સાથે જ વાડી વિસ્તારમાં બાકી વીજલાઇનોના મેઇન્ટેન્સના કામો કયારે પૂર્ણ થશે તેમજ ઘોરાડ પક્ષી અભિયારણ્ય વિસ્તારમાં વીજ કનેકશન આપવાના નિયમોની માહિતી અંગે પૃચ્છા કરી હતી. ડુમરા ગામે ખેડૂતોના સાંથણીનો પ્રશ્ન, અબડાસા તાલુકામાં ગેરકાયદેસર પાણી કનેકશનો દૂર કરવા, સરકારી કામોની ગુણવત્તા, રસ્તાના કામ યોગ્ય રીતે કરવા ,ઓવરલોડ બંધ કરાવવા, ઝાડી કટીંગ કરવા, ખનીજચોરી અટકાવવા, નખત્રાણા પાલિકામાં ઇ-નગર પોર્ટલ જનરેટ કરવા, હંગામી વીજ કનેકશન અંગે એનઓસી આપવા, નલીયામાં વાહનો માટે નિયમિત ફિટનેશ રિન્યૂ કેમ્પ કરવા, ભુજ-નખત્રાણા હાઇવે પર ટોલગેટ પર નિયત કિ..મીમાં આવતા ગામના લોકોને ટેક્ષમાંથી રાહત આપવા,સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની નિમણૂક કરવા તેમજ ગંભીર દર્દીઓને પ્રત્યે જવાબદારી દાખવીને સારવાર કરવા, વ્યાર ગામમાં પ્રાથમિક શાળના ઓરડા બનાવી આપવા, એનએ જમીન પર બનતી સોસાયટીમાં સુવિધા ન આપતા માલિકો સામે કાર્યવાહી કરવા, નિરોણામાં ગ્રામહાટને કાર્યરત કરવા, તેમજ ગામમાં સર્જાતી લો-વોલ્ટેજની સમસ્યા દૂર કરવા, પશુઓમાં ફરી લમ્પી દેખાતા તે દિશામાં પગલા ભરવા તેમજ કંઢાય ચોકડીથી સરગુઆરા વચ્ચેની લાઇનનું કામ પૂર્ણ કરવા સહિતના પ્રશ્નો તેમજ તે અંગેની જાણકારી આપવા રજૂઆત કરી હતી. માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી અનિરૂધ્ધ દવે રામપર-વેકરા પુલનું કામ શરૂ કરવા, કોડાયમાં સરકારી દબાણ કરેલી જમીનો ખાલી કરાવવા, માંડવીથી કોડાયપુલ ચારરસ્તાથી નેશનલ હાઇવે આગળ થયેલા દબાણો દૂર કરવા, મોડકૂબા સુધીની નર્મદાકેનાલમાં પુરતી વહન ક્ષમતા સાથે પાણીનું ટેસ્ટીંગ કરવા, ખેડૂતોને ઝડપથી વીજ કનેકશન આપવા, અધિકૃત ખાણમાંથી માટી કાઢીને સુકવવાની કરાતી કામગીરીમાં કરાતી ખોટી હેરાનગતિ બંધ કરવા, માંડવી તાલુકાના પીવાના પાણી માટે વડવા ખાતે આવેલી વોટર વર્કસ હેડથી માંડવી તાલુકાના ૪૨ ગામના પીવાના પાણીની લાઇનનું કામ ચાલુ કરાવવા, છસરાથી માંડવી તાલુકાના કોટાયા ગામ સુધીના રસ્તા પર બાવળ દૂર કરવા, મુંદરા, બારોઇ પાલિકામાં હદમાં ગેરકાયદેસર આકારણીએ ચડેલી ૩૭ મિલકતો પૈકી સરેન્ડર ન થયેલી મિલકતો સામે કાર્યદેસરની કાર્યવાહી કરવા, મુંદરા, બારોઇ, ગોયરસમા, નાના કપાયા અને મોટા કપાયા વગેરે ગામોનું રેકર્ડ પ્રમોલગેશન કરવા, મુંદરા બસ સ્ટેશનથી જૂના પોર્ટ રોડવાળા રસ્તા પરનો ટ્રાફીક તથા ભુજ-મુંદરા અને માંડવી-મુંદરાનો ટ્રાફીક હળવો કરવા જરૂરી પગલા ભરવા, કોટડી મહાદેવપુરી, આદેશ નગરના મકાનો રેકર્ડ પર ચડાવવા, બાગ ગામના પ્રાથમિક શાળાની ઇમારત બનાવવા, મોખા તથા ગેલડા પંચાયત કચેરી બનાવવા, દેવપરમાં શિક્ષકો માટે બનેલા કવાર્ટરની ફાળવણી કરવા, ગઢશીશામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મંજૂર થયેલી જમીન દબાણમુકત કરવા, દેવપર અને ગઢશીશા ગામના પ્રમોલગેશન કરવા, ગઢશીશામાં આવેલ વેટરનરી ડોકટર માટેના સ્ટાફ કવાર્ટરના દબાણ દૂર કરવા, ખેડૂતોને નર્સરી બનાવવા માટે માટીની જરૂરીયાત રહેતી હોવાથી માટી ઉપાડવા તાંત્રિક મંજૂરી આપવા, માંગણી મુકાયેલા ગામમાં પશુ એમ્બ્યુલન્સ ચાલુ કરવા, ગુંદાલામાં નર્મદા કેનાલમાં ડૂબી જનારના પરીવારોને સહાય આપવા સહિતના પ્રશનો રજૂ કરીને તેનો ઝડપી ઉકેલ લાવવા માંગણી કરી હતી. અંજાર વિસ્તારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ બેઠકમાં મંજૂર સબ સ્ટેશનની પ્રગતિ રિપોર્ટ આપવા, અંજારનો બાયપાસ રોડના ટ્રાફીકને હળવો કરવા રેલવે ફાટકને પહોળો કરવા, મેઘપર(બો)માં મંજૂર પોલીસ સ્ટેશનની પ્રગતિ અંગે માહિતી આપવા,ખેડોઇ અને લાખાપરમાં બેંક શાખા શરૂ કરવા, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં સુપ્રિટન્ડેન્ટ સહિત તમામ મેડીકલ ઓફિસરોની ખાલી જગ્યા ભરવા, સુજલામ સુફલામ યોજના હેઠળ મંજુર ગામોની કામોની માહિતી આપવા, નીંગાણમાં ખેડૂતોની જમીન નિયમિત કરવા, નેશનલ હાઇવે પરથી બમ્પ દૂર કરવા, લીલાશા રેલવે ફાટક આદિપુર-મેઘપર બોરીચી પર અન્ડરબ્રીજ કામ શરૂ કરવા, ધ્રંગમાં પાણી યોજનાનું કામ કરવા, ગેટકો અંજાર હસ્તકના સીએસઆરના કામોની વિગતો જણાવવા , કેરા-બળદિયા ગામમાં ટ્રાફીક દૂર કરવા બાયપાસનું આયોજન ઝડપી કરવા, સુરજપર(ભારાપર) ગામની રેવન્યુ હદ નકકી કરવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, કેશવજી રોશિયા દ્વારા જાંબુડીમાં ચેકડેમની જોખમી પાળ પરની અવરજવર બંધ કરાવી રસ્તો બનાવવા, જિલ્લામાં આઇટીઆઇમાં કોર્સની વિગતો આપવા, માંડવી તાલુકાના મદનપુરા અને ધોકડા વચ્ચે મદનપુરા પાસે બે વર્ષથી તુટેલો પુલ રીપેર કરવા, ઘોરાડ અભયારણ્યમાં સમાવિષ્ટ ગામોની યાદી, ખેતી વિષયક વીજજોડાણની અરજીની યાદી આપવા તેમજ આ વિસ્તારમાં કેટલી પવનચક્કી, વીજપોલ અને વીજલાઇન પસાર થઇ તે અંગેની માહિતીની માંગણી કરી હતી. અટલ ભુજલમાં થયેલી તમામ કામગીરી, કચ્છના પોસ્ટવિભાગમાં કાર્યરત અનુ.જાતી બીપીએમ કર્મચારીઓની વિગતો, ભરતી સહિતની વિગતો આપવા માંગણી કરી હતી. બેઠકમાં રજૂ કરાયેલા તમામ પ્રશ્નો તથા અગાઉના પડતર પ્રશ્નો અંગે તત્કાલ કામગીરી કરવા કલેકટરશ્રી દ્વારા સંબધિત વિભાગને આદેશ કરાયો હતો તેમજ જરૂરી ચર્ચા કરીને તે અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.સંકલનની બેઠકમાં સાંસદશ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઇ પટેલ, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી માલતીબેન મહેશ્વરીએ પણ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ એસ.પી શ્રી ડો. કરણરાજ વાઘેલા, પૂર્વ કચ્છ એસ.પી શ્રી મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા તથા સર્વ પ્રાંત અધિકારીશ્રીઓ તથા તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!