Jasdan: સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪માં સ્મોલ સિટી કેટેગરીમાં જસદણ નગરપાલિકા પ્રથમ ક્રમે

તા.૧૯/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાષ્ટ્રીય કક્ષાની કેટેગરીમાં ૧૫૮૫માંથી ૧૩૮મો ક્રમ અને રાજ્ય કક્ષાની કેટેગરીમાં ૭૪માંથી ૫૦મો ક્રમ પ્રાપ્ત કરતી જસદણ નગરપાલિકા
Rajkot, Jasdan: હાલમાં જ સ્વચ્છતા સર્વેક્ષણ- ૨૦૨૪નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાએ સ્વચ્છતા તરફ હરણફાળ ભરી રાષ્ટ્રીય સ્તરે ૧૨મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સાથે જ સ્મોલ સિટી કેટેગરીમાં જિલ્લાની જસદણ નગરપાલિકાએ પણ ઉત્કૃષ્ટ કામગીરી નોંધાવી છે.
સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪માં ૨૦ થી ૫૦ હજાર વસ્તીની સ્મોલ સિટીની કેટેગરીમાં રાજકોટ ઝોનની જસદણ નગરપાલિકાએ ૧ (પ્રથમ) ક્રમ પ્રાપ્ત કર્યો છે. જેને રાષ્ટ્રીય કક્ષાની કેટેગરીમાં કુલ-૧૫૮૫ માંથી ૧૩૮મો ક્રમ અને રાજ્ય કક્ષાની કેટેગરીમાં કુલ-૭૪ માંથી ૫૦મો ક્રમ પણ મળ્યો છે.
જસદણ નગરપાલિકાએ ચીફ ઓફિસર શ્રી રાજુભાઈ શેખ, સેનેટરી ઇન્સ્પેકટરશ્રી પ્રતાપભાઈ સોલંકી, સિટી મેનેજર-આઇ.ટી.શ્રી રાકેશભાઈ બથવાર, સિટી મેનેજર-એસ.ડબલ્યુ.એમ. શ્રી રાજેશભાઈ બાવળીયા અને સેનિટેશનના તમામ સુપરવાઈઝર, સફાઈ કર્મચારીઓના સહયોગથી સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ના તમામ માપદંડો પૂર્ણ કર્યા છે.
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરી જસદણને સ્વચ્છ બનાવવા બદલ ચીફ ઓફિસરશ્રીએ જસદણ નગરપાલિકાના સર્વે કર્મચારીઓ તેમજ તમામ શહેરીજનોને અભિનંદન પાઠવ્યા હતા.



