
વાત્સલ્યમ્ સમાચાર.
ભુજ,તા-૦૬ ફેબ્રુઆરી : ગાંધીનગર શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા દ્વારા મેગા દબાણ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં હવે નવી સ્ટ્રેટેજી અમલમાં મૂકવામાં આવી છે. દિવસ દરમ્યાન સરકારી જમીન ઉપરથી ઝુંપડા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો રાત્રિનાં સમયે લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવશે. એટલું જ નહીં રજાના દિવસે પણ આ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાટનગર ગાંધીનગર શહેરમાં સરકારી જમીન ઉપર દબાણોની સંખ્યા વધી રહી છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા ની આગેવાનીમાં મેગા દબાણ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ સેક્ટરો અને નવા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ઉભા થઈ ગયેલા ઝૂંપડા અને લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઝૂંપડાના દબાણો હટાવી દેવામાં આવે છે. પરંતુ લારી ગલ્લાના દબાણમાં એવી બાબત ધ્યાને આવી છે કે દિવસ દરમ્યાન તેઓ તેમની જગ્યા ઉપર થી લારી ગલ્લો હટાવીને રાત્રિના સમયે ગોઠવી દેતા હોય છે. જેના પગલે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવા મામલે પણ નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાંથી ઝુંપડાના દબાણ દૂર કરવામાં આવ્યા બાદ રાત્રિના સમયે લારી ગલ્લાના દબાણો હટાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ઝોનમાં આવેલા રિલાયન્સ રોડ, કુડાસણ ચોકડી અને પીડીપીયુ રોડ ઉપર આ કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે રજાના દિવસે પણ દક્ષિણ ઝોનની ટીમોએ અલગ અલગ વિસ્તારમાં આ કામગીરી કરી હતી અને રાત્રિના સમયે મોટી સંખ્યામાં લારી ગલ્લાના દબાણો દૂર કર્યા હતા તેમજ જપ્ત પણ કરી લીધા હતા.કોર્પોરેશનનું એસ્ટેટ વિભાગ ગમે ત્યારે કોઈપણ સેક્ટરમાં કામગીરી કરશે રાત્રે લારી ગલ્લા વધતા હોવાને પગલે નિર્ણય લેવાયો છે. આ ગાંધીનગર મહાનગરપાલિકા એ લીધેલા નિર્ણય પરથી મોરબી મહાનગરપાલિકા ધડો લેશે? કેમકે તેમને લારી ગલ્લા નાં દબાણ દૂર કરાવ્યું તેનાં બીજાં દિવસે જ લારી ગલ્લા ગોઠવાઇ ગયા છે બપોર બાદ નાં સમયમાં ગમે ત્યારે ચેક કરી લેવાની છુટ છે.


