KHEDBRAHMASABARKANTHA
’અરવલ્લી બચાવો’ સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ગર્જના
ભાજપ સરકાર ઉદ્યોગપતિઓના કહેવાથી અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલીને ખનીજ માફિયાઓને સોંપવા જઇ રહી છે: ચૈતર વસાવા

ગુજરાત
ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે આયોજિત “અરવલ્લી બચાવો” સભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, અરવલ્લી વિસ્તારના હજારો નાગરિકો, ખેડૂત, આદિવાસી સમાજ અને પર્યાવરણપ્રેમીઓ ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાની હેઠળ યોજાયેલી આ સભામાં જોડાયા હતા. સભાને સંબોધતા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓ અને ખનીજ માફિયાઓના દબાણ હેઠળ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા બદલી રહી છે. આ ફેરફારનો હેતુ માત્ર અને માત્ર ખનીજ માફિયાઓને અરવલ્લી સોંપવાનો છે. ભાજપ સરકારે ખનીજ માફિયાઓ માટે લાલ જાજમ પાથરીને અરવલ્લીમાં ખનન કરવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે, જે રાજ્ય અને દેશના ભવિષ્ય માટે ગંભીર ખતરો છે. ભાજપ સરકાર જળ, જંગલ અને જમીનને લૂંટાવા માગે છે. સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માગીએ છીએ કે આ પહાડો સરકાર દ્વારા બનાવેલા નથી, પરંતુ હજારો વર્ષોથી અડીખમ ઉભેલા કુદરતી પહાડો છે, અને તેમને નષ્ટ કરવાની કોઈને પણ છૂટ આપવામાં નહીં આવે.
ચૈતર વસાવાએ દ્રઢતા સાથે કહ્યું કે અમે પહાડો અને જંગલોને ક્યારેય લૂંટાવા દઈશું નહીં. અરવલ્લી પર થતું અતિક્રમણ માત્ર વિસ્તાર માટે નહીં, પરંતુ સમગ્ર માનવ જાતિ માટે વિનાશકારી સાબિત થશે. અરવલ્લી પર્વતમાળા વાતાવરણને સંતુલિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જો અરવલ્લી નહી બચે તો નદીઓ પણ સુકાઈ જશે, જેના કારણે પાણીનું ગંભીર સંકટ ઊભું થશે. જરૂર પડી તો અરવલ્લીને બચાવવા માટે અમે લોકોને સાથી રાખીને ગાંધીનગર તરફ કૂચ પણ કરીશું. જ્યારે રાજસ્થાન અને હરિયાણાના લોકો દિલ્હીનું આહ્વાન કરશે, ત્યારે ગુજરાતમાંથી પણ હજારો લોકો દિલ્હી જઈને આ લડતમાં જોડાશે. જળ, જંગલ અને જમીનના વિનાશથી જો વિકાસ થાય છે, તો આવા વિકાસની અમને કોઈ જરૂર નથી. વિકાસના નામે અમે એક પણ ઇંચ જમીન આપવા તૈયાર નથી.
આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ખેડબ્રહ્માના ખેરોજ ખાતે અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવોની સભામાં આ વિસ્તારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા, તમામ લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને આગામી દિવસોમાં જે પ્રમાણેના નિશાન નિર્દેશ મળશે એ પ્રમાણે લોકોએ આગળ વધવાનું નક્કી કર્યું છે. 20 નવેમ્બર 2025ના રોજ કેન્દ્રશાસિત સમિતિએ જે પીટીશન દાખલ કરી હતી એની સુનાવણીમાં નામદાર સુપ્રીમ કોર્ટે આદેશ બહાર પાડ્યો કે અરવલ્લી એને જ માનવામાં આવશે, જેની ઊંચાઈ 100 મીટરથી વધારે હશે. જે 500 મીટરના અંતરે પણ આવેલા પહાડો છે એને પણ અરવલ્લીમાં ગણવામાં આવશે નહીં અને તેને વન રક્ષણ મળશે નહીં. તો આ કાયદાકીય રીતથી સરકાર ખનન માફિયાઓને રેડ કાર્પેટ પાથરી આપશે, એવી અમને ભીતિ સેવાઈ રહી છે.
વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અરવલ્લીના પહાડો ફક્ત પહાડો નથી પરંતુ અમારી આસ્થા તેમાં છે અને એ અમારું અસ્તિત્વ છે. અમારા પર્યાવરણ, પાણી અને પ્રકૃતિ એ અમારી પ્રજાતિઓનું સ્થાન છે, તો એને બચાવવા માટે અમે દરેક મોરચે લડવા માટે તૈયાર છીએ. પ્રધાનમંત્રી “એક પેડ માં કે નામ”ની બહુ મોટી મોટી જાહેરાતો કરી છે, પરંતુ આખાને આખા જંગલો જેમ કે હસદેવનું જંગલ હોય, ઓરિસ્સાનું જંગલ હોય, આસામ કે નાગાલેન્ડના જંગલ હોય અને ઝારખંડના જંગલ હોય, તેને ઉદ્યોગપતિઓને આપી દીધા છે, એ જ રીતે હવે આ અરવલ્લીના પહાડો પણ ઉદ્યોગપતિઓને આપવાની જે વાત ચાલી રહી છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અમે રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીના લોકો સાથે સંપર્કમાં છીએ. માટે આવનારા દિવસોમાં જરૂર જણાશે તો અમે ગાંધીનગર ખાતે પણ કૂચ કરીશું અને જો નામદાર સુપ્રીમ કોર્ટે આના પર ફરીથી સુનાવણી ન કરી અને સરકાર પોતાનો નિર્ણય વાપસ નહીં લે તો અમે આવનાર દિવસોમાં દિલ્હી તરફ પણ કૂચ કરીશું.




