મુડેટીના સૂર્યનગર હેલ્થ વેલનેસ સેન્ટરમાં કર્મચારીઓની ગેરહાજરીથી સ્થાનિકો રોષે ભરાયા


**મુડેટીના સૂર્યનગર હેલ્થ વેલનેસ સેન્ટરમાં કર્મચારીઓની ગેરહાજરીથી સ્થાનિકો રોષે ભરાયા**
**સેજા (મુડેટી ગ્રામ પંચાયત):** સૂર્યનગર ગામે આવેલા હેલ્થ વેલનેસ સેન્ટરમાં કર્મચારીઓની સતત ગેરહાજરી અને સેન્ટરના અનિયમિત સમયપત્રકને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના રહીશોએ જણાવ્યું કે આ સેન્ટર માત્ર ૧૫ દિવસે એક વાર જ ખુલે છે, જેના કારણે સામાન્ય બીમારીમાં પણ તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોની રજૂઆત અનુસાર, સૂર્યનગર તેમજ આસપાસના જોડકંપા કંપાના લોકો માટે આ હેલ્થ વેલનેસ સેન્ટર મહત્વનું છે. તેઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે અહીં કાયમી નર્સ અથવા આરોગ્ય કાર્યકરની નિમણૂક કરવામાં આવે, જેથી રોજિંદા આરોગ્ય સેવાઓ મળી રહે.
એક સ્થાનિક રહીશે જણાવ્યું, “શરૂઆતમાં જ્યારે આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે પરડે (ડોક્ટર અથવા મુખ્ય કર્મચારી) હાજર રહેતા હતા. દરરોજ અથવા નિયમિત આવતા હતા. પરંતુ છેલ્લા દસેક મહિનાથી સેન્ટરમાં કોઈ કર્મચારી જોવા મળતા નથી. દર ૧૫ દિવસે એક વાર કોઈ આવે છે તો એ પણ થોડી વાર માટે જ. અમારા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને તાત્કાલિક આરોગ્ય સેવાની જરૂર પડે ત્યારે અહીં કોઈ હોતું નથી.”
સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ, ઠંડી કે અન્ય મોસમી બીમારીઓ વખતે આ સમસ્યા વધુ વકરે છે. ઘણી વખત ગંભીર બીમારીમાં તેઓને તાલુકા અથવા જિલ્લા હોસ્પિટલમાં જવું પડે છે, જે આર્થિક અને શારીરિક રીતે બોજારૂપ બને છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને નાના બાળકોને વધુ મુશ્કેલી પડે છે.
ગામલોકોએ ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના અધિકારીઓને આ બાબતે અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. તેઓએ માંગ કરી છે કે,સેન્ટરમાં કાયમી નર્સ અને આરોગ્ય કાર્યકરની નિમણૂક કરવામાં આવે, દરરોજ અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩-૪ દિવસ સેન્ટર ખુલ્લું રાખવામાં આવે, જરૂરી દવાઓ અને સાધનસામગ્રીની વ્યવસ્થા સતત જળવાઈ રહે.
જયંતિ પરમાર સાબરકાંઠા



