GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનીકરણ થકી વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવા” ની થીમ સાથે ૨૮ ફેબ્રુઆરીએ “નેશનલ સાયન્સ ડે” ની ઉજવણી

તા.૨૭/૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ખાસ લેખ – જીતેન્દ્ર નિમાવત,રાજ લક્કડ, રાજકોટ

રાજકોટમાં આવેલું પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર આકર્ષણનું કેન્દ્ર – અત્યાર સુધીમાં ૨.૭૮ લાખથી વધારે મુલાકાતીઓએ તેમજ ૧૬૩૫ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ કેન્દ્રની મુલાકાત લીધી

વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને પણ શીખવા અને સમજવાની તક

Rajkot: ભારતમાં દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ “નેશનલ સાયન્સ ડે” ઉજવવામાં આવે છે. આપણે જે પણ આધુનિક સુખ-સુવિધાઓ ભોગવીએ છીએ તે વિજ્ઞાનને આભારી છે. મહાન ભૌતિકશાસ્ત્રી સર ચંદ્રશેખર વેંકટ રામને કરેલી શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિજ્ઞાને માણસનુ જીવન સરળ બનાવ્યુ છે. સવારે ઊઠતાં વેત મોબાઈલ હાથમાં લેવો, ગેસના ચૂલા પર ચા મૂકવી કે બાથરૂમના નળમા આવતુ પાણી વગેરે સરળ લાગતી આ બધી દૈનિક ક્રિયાઓ અને સરળતા વિજ્ઞાનને આભારી છે. એક સમય હતો કે લોકો ચાલીને એક ગામથી બીજે ગામ જતા અથવા એક દેશથી બીજા દેશ જતા જેમાં દિવસો, મહિનાઓ પસાર થઈ જતા, પરંતુ આજે આ બધુ સરળ બન્યુ છે. વિજ્ઞાનના પ્રતાપે આજે આપણે આખું વિશ્વ મોબાઇલમાં આંગળીના ટેરવે ફેરવી શકીએ છીએ.

આ બધાના પાયામાં રહેલા વિજ્ઞાન નું મહત્વ ઉજાગર કરવા માટે “નેશનલ સાયન્સ ડે”ની આ વરસની થીમ “વિકસિત ભારત માટે વિજ્ઞાન અને નવીનીકરણ થકી વૈશ્વિક નેતૃત્વ માટે ભારતીય યુવાનોને સશક્ત બનાવવા” છે. આપણે જાણીએ છીએ કે ભારત યુવાનોનો દેશ છે. ભારતની સૌથી મોટી શક્તિ યુવા શક્તિ છે ત્યારે યુવા શક્તિનો ઉપયોગ વિજ્ઞાન ક્ષેત્રે મહત્તમ થઈ શકે, તે દિશામાં વિકસિત ભારતના સંકલ્પ સાથે યુવાનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવે તે ખૂબ જરૂરી છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેતૃત્વ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) મારફત ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ રીજીયોનલ સાયન્સ સેન્ટર્સ બનાવવામાં આવ્યાં છે. તે અંતર્ગત રાજકોટ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રની છ અદભૂત ગેલેરીઓ આપણને પ્રાચીનથી માંડીને આધુનિક યુગ સુધીની યાત્રા કરાવે છે. વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વૈજ્ઞાનિક શોધખોળોને અને બાળ વૈજ્ઞાનિકોને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહન આપે છે. રાજકોટ ખાતે આવેલા આ વિજ્ઞાન કેન્દ્રમાં વિવિધ જીવોની ઉત્પત્તિથી લઈને અત્યારે અને ભવિષ્યમા રોબોટ્સનો ઉપયોગ કઈ રીતે થશે તેની ઝલક વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રેમી લોકો મેળવી રહ્યા છે. ઓક્ટોબર ૨૦૨૨થી અત્યાર સુધીમાં ૨.૭૮ લાખથી વધારે મુલાકાતીઓએ તેમજ રાજ્યભરની ૧૬૩૫ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ વિજ્ઞાનની વિવિધ સિદ્ધિઓથી વાકેફ થયા છે.

વિજ્ઞાન કેન્દ્રમાં આવેલી ગેલેરીઓ ગણિત, વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. છ અલગ- અલગ થીમ આધારિત ગેલેરીમાં હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી, મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરી, નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરી, રોબોટીક્સ ગેલેરી, સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી, લાઈફ સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે. આ સિવાય જ્ઞાન સાથે ગમ્મત પીરસતી વિવિઘ રાઇડ્સ અને ઝોન્સ પણ વિકસાવવામાં આવ્યા છે.

જામનગરની ભવન્સશ્રી એ.કે. દોશી વિદ્યાલયમાથી વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે આવેલા શિક્ષક ઉમંગભાઇ જણાવે છે કે, આ પ્રકારના સેન્ટર બનાવવાથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની રુચિ વિકસે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રહેતા લોકોએ આ વિજ્ઞાન કેન્દ્રની અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

ચોટીલાના પીપળીયા (ધાંધલ) સ્કૂલના શિક્ષિકા કોમલબેને કહ્યું કે, નાગરિકો વૈજ્ઞાનિક અભિગમ કેળવે તે ખૂબ જરૂરી છે. આ વિજ્ઞાન કેન્દ્રમાં વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકોને પણ શીખવા અને સમજવાની તક અને વાતાવરણ મળે છે.

મનુષ્યને દુ:ખમાંથી મુક્ત કરવામાં, અજ્ઞાનતા દૂર કરવામાં અને મુશ્કેલીઓ ઓછી કરવામાં વિજ્ઞાને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઘર હોય, કારખાનું હોય કે ખેતર હોય, જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની ભૂમિકા અજોડ છે. જમીન, પાણી અને આકાશમા વિજ્ઞાનના અનન્ય ચમત્કારો છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર મુખ્યત્વે ૧૦ એકર જગ્યામાં ફેલાયેલું છે, જેમાંથી ૯ એકર જગ્યામાં વિશાળ અને ભવ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. તેનો દેખાવ પીરામિડની સન્મુખાકૃતી(Faced Pymarid) જેવો છે. જેમાં ૧૮ આર્કની ડિઝાઈન છે. સાયન્સ સેન્ટરના કેન્દ્રમાંથી તમામ બાજુનું અંતર એકસમાન છે. સમગ્ર સાયન્સ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરમાં વહેંચાયેલું છે. જેમાં છ ગેલેરીઓ છે અને ફર્સ્ટ ક્લોર પર ત્રણ વર્કશોપ છે. વિવિધ ગેલેરીઓને અનુલક્ષીને બાજુમાં વિવિધ કોર્ટયાર્ડઝ બનાવવામાં આવ્યા છે. જેમાં પ્રદર્શિત કરવામાં આવેલા અવનવા મોડલ્સ આવનાર મુલાકાતીઓને વિજ્ઞાનના એક નવા વિશ્વમાં કદમ મુક્યાનો અહેસાસ કરવે છે. આ ઉપરાંત, રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી ૯૫ કે.વી. જેટલી વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. જેથી સેન્ટરની મુલાકાતે આવનાર લોકોને ક્લીન એન્ડ એફિશીયન્ટ એનર્જી સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરીને તેનો વપરાશ કરવા માટે પ્રેરણા મળશે.

રીજીયોનલ સાયન્સ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોની અંદર વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તથા વિજ્ઞાન પ્રત્યે લોક જાગૃત્તિ ફેલાવવાનો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમ થકી સમાજમાં આદાન-પ્રદાનના માધ્યમ તરીકે ભાગ ભજવવાનો છે.

હાઉ-ટુ-સ્ટ્ફ વર્ક ગેલેરીમાં પ્રકાશ, ઉર્જા, અવાજ અને ગુરૂત્વાકર્ષણના વિશિષ્ઠ સંયોજનથી તૈયાર કરવામાં આવેલી હાઉ-ટુ-સ્ટફ વર્ક ગેલેરી બાળકોથી લઈને વૃધ્ધોને પોતાનું બાળપણ યાદ અપાવી દે તેવી અનેક ટેકનોલોજી અને ખુબીઓથી ભરેલું છે. મશીન એન્ડ એન્જિનિયરિંગ ગેલેરીમાં વિવિધ પ્રકારના ગિયર અને તેનું મિકેનિઝમ સમજાવતા પ્રેક્ટીકલ મોડેલ, પ્લાઝમા કટીંગ મશીન,મલ્ટી સ્પિન્ડલ મશીન,ઓટોમોબાઈલ વિભાગમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર એન્જીનના સેકશન કટ મશીન, ૩-ડી પ્રિન્ટર, સૌથી અત્યાધુનિક મશીનો પણ અહીં જોવા મળે છે. નોબેલ પ્રાઈઝ તથા ફિઝિક્સ ગેલેરીમાં જે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળેલું છે, તેવાં નોબેલ પુરસ્કાર વિજેતાઓને સમર્પિત ગેલેરી છે. રોબોટીક્સ ગેલેરીમાં અનેક જાતના રોબોટ્સ જેમાં ઈન્ડસ્ટ્રીયલ રોબોટ્સ, ડિફેન્સ રોબોટ્સ, સ્વિમિંગ પુલ અને પાણીના વિશાળ ટાંકા સાફ કરી શકે તેવા મરીન રોબોટ્સ, ફિલ્મો અને કોમિક્સમાં દર્શાવાયેલા રોબોટ્સ છે. સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરીમાં માટીકામથી લઈને સિરામિક ઉદ્યોગોનો ઉદ્દભવ અને વીકાસના વિવિધ મોડેલો તથા કાચ કામની શરૂઆત તથા તેનો વિકાસના વિવિધ તબક્કાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. લાઈફ સાયન્સ ગેલેરીમાં જીવ વિજ્ઞાન વિજ્ઞાન વિષેની માહિતી આપવામાં આવી છે. તેમજ કુદરતી ઈકોસિસ્ટમ, માર્સ મિશન તથા હેબીટેબલ ઝોન અને સુપર અર્થ વિશે વિગતો આપવામાં પ્રદર્શિત કરવામાં આવે છે. સાયન્સ સેન્ટરમાં સ્કૂલના મુલાકાતીઓ માટે વિજ્ઞાન થીમ આધારિત ગેમ્સ, વર્ચૂઅલ રિયાલીટી, ઓડિયો- વિડિયો ઉપકરણો અને ઇન્ટરએક્ટિવ પેનલ મૂકવામાં આવી છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટરના મુખ્ય આકર્ષણોમા વિવિધ વિજ્ઞાનને ખંગાળતી થીમ આધારિત છ ગેલેરીઓ, સેન્ટ્રલ કોર્ટયાર્ડ, વર્કશોપ્સ નું આયોજન કરવા માટેની ઉત્તમોત્તમ સુવિધા જેવી કે, 3 ડી થીએટર, થીમ આધારિત પાર્ક, દિવ્યાંગો અને વૃધ્ધો માટે અનુકૂળ એવી મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃત્તિઓ અને કાફેટેરિયા જેવી સુવીધાઓ પણ છે.

 

તા.૦૧ માર્ચના રોજ શાપર વેરાવળ ઈન્ડ્રસ્ટ્રીયલ એસોસિએશન ઓફીસ ખાતે રોજગાર ભરતીમેળો યોજાશે

મદદનીશ નિયામક(રોજગાર) કચેરી, રાજકોટ અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તા.૦૧ માર્ચના રોજ સવારે ૦૯:૦૦ કલાકે શાપર વેરાવળ ઈન્ડ્રસ્ટ્રીયલ એસોસિએશન ઓફીસ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રોજગાર ભરતીમેળામાં અલગ અલગ ૪૦ થી વધારે ખાનગી એકમોના પ્રતિનિધિઓ ઈન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની પસંદગી હાથ ધરવામાં આવશે. ઉમેદવાર હાજર રહેનાર નોકરીદાતાઓની વિગત મદદનીશ નિયામક રોજગાર કચેરીની ટેલીગ્રામ ચેનલ “Emp Rajkot”, ફેસબૂક પેજ “Employment Office Rajkot” તેમજ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ “emp.rajkot” પર જોઈ શકે છે. આ રોજગાર ભરતીમેળામાં ધો.૧૦,૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, BE ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ તેમજ અન્ય કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જગ્યાઓ નોંધાયેલ છે, વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર: ૦૨૮૧-૨૪૪૦૪૧૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!