MORBI:મોરબીમાં સોની યુવાનની હત્યાના મામલે ભારે આક્રોશ: કેન્ડલ રેલી અને શનાળા રોડ પર ચક્કાજામ કર્યો

મોરબી: મોરબીમાં થયેલ સોની યુવાન જતીન સોનીની નિર્મમ હત્યાના વિરોધમાં આજે સમગ્ર સોની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક જતીન સોનીને ન્યાય અપાવવા અને હત્યારાઓને કડક સજા કરવાની માંગ સાથે આજે સોની સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ન્યાયની માંગ સાથે સોની સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ મોરબીના મુખ્ય શનાળા રોડની એક સાઈડ પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ દરમિયાન સમાજના લોકોએ ઉગ્ર માંગ કરી હતી કે હત્યારાઓના પિતાનો વરધોડો કાઢવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.
ઘટનાની ગંભીરતાને જોતા શનાળા રોડ પર પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા અને શાંતિ જાળવવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે. સોની સમાજ દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.આક્રોશ સાથે કહ્યું હતું કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક ન્યાય અપાવવામાં આવે તેવી લોકોએ માગ કરી હતી. ન્યાયની માગણી સાથે લોકો રોડ પર જ બેસી ગયા હતા અને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. ત્યારબાદ આગેવાનોએ સમજાવ્યા હતા અને કહ્યું હતું કે આ મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત કરી છે.
વધુમાં લોકોએ સરદારબાગ ખાતે પડાવ નાખ્યો છે. ડીવાયએસપીને ફોન ઉપર રજુઆત કરવામાં આવી છે કે તેઓ સ્થળ ઉપર આવે જેથી રૂબરૂ રજુઆત કરી શકે. લોકો એવું જણાવી રહ્યા છે કે જ્યારે બેસણું ચાલુ હતું ત્યારે ગુનેગારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
બધા વેપારીઓ ત્યારે બેસણામાં હતા. બધાની હાજરીમાં બજારમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.ત્યારે દિવંગત યુવાનની શોકસભામાં મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા તમામ પ્રયત્નો કરી રહ્યા હોવાની ખાતરી આપી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે. આ શખ્સનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વિવિધ ટીમો બનાવીને સઘન તપાસ ચાલી રહી છે.પરિવારને સંપૂર્ણ ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે પોલીસ તમામ કાયદાકીય પુરાવાઓ એકત્ર કરી રહી છે.આવા બનાવો ભવિષ્યમાં ન બને અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં કાયદાનો ડર રહે તે માટે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. આ બનાવ બાદ જિલ્લામાં ૧ ડીવાયએસપી, ૭ પીઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોના કાફલા સાથે વિવિધ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ડીવાયએસપી આલે આ તકે ઉપસ્થિત જનમેદનીને પણ એક ખાસ અપીલ કરી હતી જો કોઈ નંબર પ્લેટ વગરનું વાહન કે કાળા કાચવાળી ગાડી શંકાસ્પદ હાલતમાં ફરેલી દેખાય, તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. કોઈપણ ગુનાહિત કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો નાગરિકો ૧૧ર (112) હેલ્પલાઈન નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરે. અંતમાં, ડીવાયએસપીએ ફરી એકવાર પરિવારને સાંત્વના આપતા આશ્વાસન આપ્યું હતું કે પોલીસ તંત્ર તેમની સાથે છે અને ગુનેગારને સખત સજા અપાવવા કટિબદ્ધ છે.













