HIMATNAGARSABARKANTHA

હિંમતનગર અને આસપાસનાં ગામોમાં હુંડાના વિરોધને લઇ 12 ડિસેમ્બરે બંધનું એલાન

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને આસપાસનાં ગામોમાં હુંડાના વિરોધને લઇ 12 ડિસેમ્બરે બંધનું એલાન કરવામાં આવ્યું છે. વિવિધ સામાજિક, વેપારી અને રાજકીય સંગઠનો એકસ્વરે આ બંધને સમર્થન આપી રહ્યા છે.

હુંડા મુદ્દે લોકોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. જેને ધ્યાનમાં લઈ અનેક સંગઠનો આગળ આવ્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ભાજપ સાથે સંકળાયેલા કેટલાક સહકારી આગેવાનો પણ ખુલ્લેઆમ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

હુંડા હેઠળ આવતાં 11 ગામડાઓના લોકો પણ આ વિરોધમાં સક્રિય થયા છે. હિંમતનગર તાલુકાના મોટાભાગના ગામોએ બંધને સમર્થન આપ્યું છે. લારી-ગલ્લા વાળા, નાના-મોટા વેપારીઓ, મોલ સંચાલકો સહિતના વેપારી વર્ગે પણ 12 ડિસેમ્બરે તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

વધુમાં, 11 ગામોના વાલીગણે પોતાના બાળકોને તે દિવસે શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અનેક ખાનગી શાળાઓએ પણ બંધને સમર્થન આપ્યું છે.

હિંમતનગર શહેર અને આસપાસના 11 ગામોમાં સંપૂર્ણપણે સજ્જડ બંધ પાળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હુંડા હટાવવાની માંગને લઈને વિવિધ સંગઠનો કટિબંધ થઈ એકજુટતાથી આગળ વધતા જોવા મળી રહ્યા છે.

આંદોલનકારીઓનો સ્પષ્ટ મત છે કે જનતા પર અન્યાયકારી હુંડા બિલનો બોજ ન આવવો જોઈએ, અને આ મુદ્દે સરકાર તાત્કાલિક ખેતી-મજૂર અને સામાન્ય નાગરિકોને રાહત આપે. 12 ડિસેમ્બરના બંધને લઇ વિસ્તારના લોકોમાં જાગૃતતા અભિયાન પણ ચાલી રહ્યું છે અને બંધને સંપૂર્ણ સફળ બનાવવા સ્થાનિક આગેવાનો અપીલો કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!