હિંમતનગર નગરપાલિકાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું: સ્વચ્છતામાં પ્રથમ ક્રમે આવવા બદલ અભિનંદન
સાબરકાંઠા જિલ્લાને વિકાસની દિવાળી ભેટ: પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ. ૩૨.૧૭ કરોડના ૧૬૧ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
હિંમતનગર, ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫:
વિકાસ સપ્તાહની ઉજવણીના સમાપન ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના જનસુખાકારી અને વિકાસ કાર્યોને નવી ગતિ આપવા માટે જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના વરદ્ હસ્તે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રૂ. ૩૨.૧૭ કરોડના કુલ ૧૬૧ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યોમાં રૂ. ૩૦.૧૮ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૮૮ કામોનું લોકાર્પણ અને રૂ. ૧.૯૯ કરોડના અંદાજિત ખર્ચે ૭૩ નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યોમાં શિક્ષણ, શહેરી વિકાસ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં રોડ, ગટરલાઇન, પ્રાથમિક શાળાના શેડ, ગરનાળાં, સ્મશાનગૃહ, પીવાના પાણીની ટાંકીઓ અને મધ્યાહન ભોજનના શેડ જેવા પાયાના ૧૫૨ જેટલા ગ્રામીણ અને શહેરી જીવનને સ્પર્શતા કામોનો સમાવેશ થાય છે, જે જિલ્લાની જનતાની સુખાકારીમાં સીધો વધારો કરશે.
વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિના આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રાને ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, જેના ભાગ રૂપે આજે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. તેમણે સાબરકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં થયેલા આ રૂ. ૩૨.૧૭ કરોડના વિકાસના મહાયજ્ઞ બદલ જનતાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નવનિર્માણ પામેલ હિંમતનગર નગરપાલિકા કચેરીનું લોકાર્પણ કર્યું અને નગરપાલિકાને બી ગ્રેડમાંથી એ ગ્રેડમાં આવવા બદલ તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છ શ્રેષ્ઠ નગરપાલિકા તરીકે પ્રથમ પુરસ્કાર મેળવવા બદલ તમામ પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં, મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોનો ચિતાર રજૂ કર્યો, જેમાં ગુજરાતના ૧૮ હજાર ગામોને ૨૪ કલાક વીજળી, શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો તથા નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી યોજનાઓનો અમલ, આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત યોજના થકી ગરીબોને રૂ. ૧૦ લાખ સુધીની સારવાર સહાય, ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનું વિકાસ મોડલ બનવું, ખેડૂતોને આર્થિક સહાય, ટપક સિંચાઈ પદ્ધતિ અને નર્મદાના નીર કચ્છના રણ સુધી પહોંચાડવાની સિદ્ધિઓ સામેલ છે. તેમણે ૫૪ કરોડ જન ધન ખાતા, કોરોના કાળમાં ૮૦ કરોડ લોકોને મફત ભોજન તેમજ આવાસ યોજના જેવી ઉત્કૃષ્ટ યોજનાઓ થકી ગરીબની જરૂરિયાતોને સમજવા બદલ સરકારની સંવેદનશીલતા વ્યક્ત કરી હતી. ભારતના ભવ્ય ભૂતકાળને યાદ કરીને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત ‘સોને કી ચીડિયા’ ગણાતો હતો અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે સમગ્ર વિશ્વને પરિવાર માનીએ છીએ. તેમણે નાગરિકોને વડાપ્રધાન શ્રી દ્વારા જીએસટી દરમાં ઘટાડાના નિર્ણય થકી સામાન્ય લોકોને થયેલા ફાયદા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
સમાપનમાં, મંત્રીશ્રીએ દેશના વિકાસ માટે સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું કે, “આપણે સૌ સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ, પાણી – વીજળીનો બચાવ કરીએ, સારું શિક્ષણ, ટેકનોલોજી અપનાવી અને ‘એક પેડ મા કે નામ’ થકી પર્યાવરણનું જતન કરીએ.”
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં નગરપાલિકાના વિકાસમાં સરકારની સહાય, જીએસટી ઘટાડવા બદલ વડાપ્રધાનશ્રીનો આભાર અને સ્પીનિંગ મિલના વર્ષો જૂના પ્રશ્નને હલ કરવા બદલ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત સૌ કોઈને સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા અને જણાવ્યું કે સરકારે સાબરકાંઠાના આંગણે વિકાસના દ્વાર ખોલ્યા છે. આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત કુપોષિત બાળકોને પોષણ કીટ અપાઇ હતી, અને મંત્રીશ્રીએ હિંમતનગર ટાવર ચોક પાસે બજારમાં સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલ દિવડાઓની ખરીદી કરીને સ્વદેશી અને નાના કારીગરો દ્વારા બનાવેલ વસ્તુઓની ખરીદી કરવા લોકોને પ્રેરણા આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, રાજ્ય સભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થ રાજસિંહ ગોહિલ, અધિક નિવાસી કલેકટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી જે.ડી. પટેલ, શ્રી વિજય પંડ્યા, સિદ્ધાર્થ પટેલ, મહિલા અગ્રણી શ્રી કુ. કૌશલ્યાકુંવરબા સહિત નગરપાલિકાના સદસ્યો, સ્ટાફ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
મેહુલ પટેલ સાબરકાંઠા