
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આદિવાસી ભાઈઓ બહેનો તથા મહારાષ્ટ્રના આદિવાસી ભાઈઓ સાથે મળીને કનશર્યાગડ ખાતે ડુંગરદેવ (માવલી)ની ભવ્ય પૂજા કરી ઉજવણી કરી હતી. કનશર્યાગડ ખાતે ડુંગરદેવ (માઉલી)ની પૂજા માટે દર વર્ષે ભક્તોની ભીડ ઉમટી પડે છે. આ વિસ્તારમાં ડુંગરદેવની પૂજાને ઘણું મહત્વ આપવામાં આવે છે અને તેને આદિવાસીઓનો એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે.આ કાર્યક્રમ દ્વારા ડાંગ અને મહારાષ્ટ્રના આદિવાસીઓએ તેમની સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત રાખી છે.કાર્તિક પૂર્ણિમાના દિવસે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ડાંગની આદિવાસી પરંપરા મુજબ ડુંગરદેવની પૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડુંગરદેવના દર્શન કર્યા અને દેવસ્થાનમાં પાણી, વીજળી અને રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, તેમણે દેવખળીનું નિર્માણ કરવાની પણ વાત કરી હતી.આ પ્રસંગે આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાષભાઈ ગાઈન, આહવા તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, સ્થાનિક સમિતિના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પોલીસ અને વન વિભાગના કર્મચારીઓએ પણ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી..




