Rajkot: યુવતીનાં ફોટા વાઈરલ કરવાની ધમકી આપતા કોલેજીયન યુવક અને તેના બે મિત્રોને ૧૮૧ અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો

તા.૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન:- જીતેન્દ્ર નિમાવત
Rajkot: રાજકોટ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ એક યુવતીની મદદે આવી હતી. પીડિત યુવતીનાં ફોટોઝ વાઈરલ કરવાની ધમકી આપતા પૂર્વ પ્રેમી અને તેના બે મિત્રોને ૧૮૧ની ટીમે સાયબર ક્રાઇમ સહિતનાં કાયદાનું ભાન કરાવ્યું હતું.
૧૮૧ નંબર પર એક યુવતીએ ફોન કરી જણાવ્યું કે, મારી સાથે અભ્યાસ કરતા એક યુવક સાથે મારે અગાઉ પ્રેમ સંબંધ હતો. પરંતુ હવે યુવક સાથે કોઈ વાતચીત કરતી નથી. પણ યુવક અને તેમના બે મિત્રોએ મારા પિતાને મારા અને યુવકનાં ફોટો મોકલી, કુટુંબના અન્ય સભ્યોને પણ ફોટા મોકલવાની ધમકી આપી હતી.જેથી મારે ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે.
પીડિતાનો ફોન આવતાં જ ૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર વૈશાલીબેન ચૌહાણ, કોન્સ્ટેબલ કિરણબેન, પાયલોટ શ્યામભાઈ તાત્કાલિક યુવતીની મદદ માટે સ્થળ પર પહોંચી ગયા હતા અને યુવતી સાથે વાત-ચીત કરી કાઉન્સિલિંગ કર્યું હતું.
પીડિત યુવતીએ ૧૮૧ ટીમને પોતાની મનોવ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, પોતે અને યુવક કોલેજમાં સાથે અભ્યાસ કરતા હોવાથી એક વર્ષ પહેલાં એકબીજાના સંપર્કમાં આવ્યા અને આપસમાં પ્રેમ પાંગર્યો હતો. પરંતુ થોડા દિવસ પહેલા બન્નેએ પ્રેમ સબંધ તોડી નાખ્યો હતો. જેનાથી ગિન્નાઈને યુવક અને તેના બે મિત્રોએ મારા પિતાને યુવક સાથેના મારા ફોટા મોબાઈલ મારફતે મોકલી આપ્યા હતાં. આ ઉપરાંત, કુટુંબના અન્ય સભ્યોને પણ ફોટા મોકલી આપશે તેવી ધમકીઓ આપી હતી. તેથી ગભરાઈને મે ૧૮૧નો સંપર્ક કર્યો હતો. પીડિતાની વ્યથા સાંભળી ૧૮૧ ટીમે તેને સાંત્વના આપી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ૧૮૧ ટીમે યુવક અને તેનાં મિત્રોને સ્થળ પર બોલાવી, તેમનું કાઉન્સિલિંગ કરી, સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી યુવતીના ફોટો વાયરલ કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે તેમ કહ્યું હતું.
યુવક અને તેમના મિત્રોને ૧૮૧ ટીમે જણાવ્યું કે, આ ગંભીર ગુનો છે, જે અંગે તમને સજા પણ થઈ શકે છે. પરંતુ યુવતી આગળ કોઈ કાર્યવાહી કરવા માગતી નથી, જેથી હવે પછી જો બીજી વાર આવી ભૂલ થશે તો કાયદેસર કાર્યવાહી થશે તેમ કહ્યું હતું.
અંતે યુવક અને તેનાં મિત્રોને પોતાની ભૂલનો અહેસાસ થતાં યુવતીની માફી માંગીને મોબાઈલ નંબર અને યુવતીના ફોટો ડીલીટ કરી આજ પછીથી યુવતી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક રાખશે નહીં, તેની ખાત્રી આપી હતી. યુવક અને તેના મિત્રો યુવતીને કોઈ ધાક ધમકી નહી આપે કે બ્લેકમેલ નહી કરે તેવું જણાવી પોતાની ભૂલ સ્વીકારી પીડીતા પાસે લેખિતમાં માફી માંગી લખાણ દ્વારા યુવતીને હેરાન નહીં કરવાની બાંયધરી ધરી આપી સમાધાન કર્યું હતું. પીડિત મહિલા આગળ કોઈ કાર્યવાહી કરવા માગતી ન હોવાથી ૧૮૧ ટીમે જરૂરી સલાહ-સૂચન અને માર્ગદર્શન આપ્યું હતુ.


