ભરૂચમાં દારૂ ભરેલી કિયા ઝડપાઇ:12.34 લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, ચાર બુટલેગર સામે કાર્યવાહી


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને કિયા કંપનીની ફોર વ્હીલર કાર સાથે ઝડપી પાડી 12.34 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ રેલવે સ્ટેશન તરફથી વિદેશી દારૂનો જથ્થો કિયા સેલ્ટોસ કાર (કંપની કિયા) માં ભરાઈ શક્તિનાથ તરફથી જંબુસર બાયપાસ તરફ જવાનો છે.આ બાતમીના આધારે એ-ડિવિઝન પોલીસ સ્ટાફે સિવિલ રોડ પર હિતેશ નગર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમી મુજબની ગાડી સ્થળ પર આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ 899 બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.2.29 લાખ રૂપિયાનો દારૂ તથા રૂ.10 લાખ રૂપિયાની કાર મળી કુલ રૂ.12.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે અંકલેશ્વરના કાપોદ્રા ગામની નવજીવન હોટલ બાજુ પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા રમઝાન ઈદ્રિશ મુન્નાખા શેખને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રમઝાને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો વલસાડની મહિલા બુટલેગર રુબીનાબાનુ સરફરાજ શેખ દ્વારા રેલવે સ્ટેશન પાસે આપી ગયો હતો. તેના જણાવ્યા મુજબ બુટલેગર અરવિંદ ઉર્ફે દાજી લક્ષ્મણ પટેલ અને ધર્મેન્દ્ર ઉર્ફે કાળિયો રામજી પટેલે આપેલી કિયા કારમાં પોતાના ભાઈ સાથે દારૂનો જથ્થો ભરી, બંનેને પહોંચાડવા જતો હતો.




