
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહલગ્નમાં ફ્કત એક રૂપિયાના ટોકન થી ૧૦૧ જેટલા યુગલો આદિવાસી રીત રિવાજને આધિન લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં.
સમસ્ત વસાવા સમાજ ગુજરાત બલેશ્વર ખાતે ત્રીજો સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો.આયોજિત સમૂહ લગ્નમાં કન્યાદાન પેટે દાતાઓ તરફથી ૧૦૧ યુગલને કરિયાવરમાં ઘર ઉપયોગી સંપૂર્ણ ફર્નિચર- સામાન, વરને શેરવાની અને કન્યાને પાનેતર તેમજ ચાંદીનું મંગળસૂત્ર, પાયલ, સોનાની બુટ્ટી, કટીબધ્ધ, પગની વિટીંઓ વગેરેનો શણગાર પણ આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં યોગદાન આપનાર તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા આદિવાસી સામૂહિક નૃત્ય, આદિવાસી ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું હતું.
સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાન્ત વસાવાએ સમાજનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, મારા પર વિશ્વાસ રાખી દાતાઓએ જે દાન વરસાવ્યું તે બદલ દાતાઓ, દીકરી -દીકરાને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલા જનપ્રતિનિધિઓનો તેમજ સમયની પરવા કર્યા વિના કોઈ પણ અપેક્ષાઓ વગર સમુહ લગ્નના આયોજનમાં સંપૂર્ણ ભાગ ભજવી સમાજની નિ:સ્વાર્થ ભાવે સેવા કરનાર મારી ટીમના તમામ સભ્યોનો ખરા દીલથી આભાર વ્યક્ત કરું છું.
વધુમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું કે,પરિણામ ચિંતા કર્યા વીના અથાગ મહેનત થકી કાર્યક્રમને સફળ બનાવના લક્ષ્ય સાથે અંત સુધી મહેનત કરી, જેનો નિષ્કર્ષ આજે આ કાર્યક્રમ સ્વરૂપે આપણે જોઈ શક્યા છીએ. ત્યારે ભવિષ્યમાં પણ પૂરી નિષ્ઠાથી આ પ્રકારના આયોજન કરી વધુને વધુ લોકોને જોડીશું.
આ તકે, મોટી સંખ્યામાં આદિવાસી સમાજના શ્રેષ્ઠીઓ, સમાજના પદાધિકારીઓ, સમસ્ત વસાવા સમાજ ગુજરાતના કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશિર્વાદ પાઠવ્યા હતા.બીજીતરફ સમુહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ કારોબારી સભ્યો સહિત આગેવાનોએ પ્રમુખ એવા ચંદ્રકાંત ભાઈ વસાવાને પણ અભિનંદન પાઠવ્યા
હતા.


