ઇલોલ ગામે રામદેવપીર બાપાનો વાજતે ગાજતે વરઘોડો, ભક્તિમય માહોલમાં ધજા ચડાવી ઉજવણી કરાઈ

અહેવાલ:- પ્રતિક ભોઈ
ઇલોલ ગામે રામદેવપીર બાપાનો વાજતે ગાજતે વરઘોડો, ભક્તિમય માહોલમાં ધજા ચડાવી ઉજવણી કરાઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે રવિવારે રામદેવપીર બાપાનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો. ગામના મુખ્ય માર્ગો પર વરઘોડો ફરતા ભક્તોએ ધૂમધામથી બાપાનું નામ જાપ્યું હતું. નાનાથી લઈને મોટા સુધીના ભક્તોએ ભક્તિ સંગીત અને નગારા-ઢોલ સાથે ઝૂમી ઉઠીને નૃત્ય કર્યું હતું. વરઘોડા દરમ્યાન અબીલ-ગુલાલ ઉડાડાતા સમગ્ર વાતાવરણ રંગીન અને ભક્તિમય બની ગયું હતું.
ભક્તોએ ભગવાન રામદેવપીરના ભજન ગાઈને બાપાની મહિમાનો ગાન કર્યો હતો. ગામના દરેક ખૂણેથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વરઘોડાની આખી પ્રક્રીયા આનંદ, ઉત્સાહ અને શ્રદ્ધાથી પરિપૂર્ણ બની રહી હતી.
વરઘોડા પૂર્ણ થયા બાદ રામદેવપીર બાપાના મંદિરે ધજા ચડાવવાની પાવન વિધિ યોજાઈ હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહી ‘જય રામદેવપીર બાપાની’ના ગાજતાં નારા સાથે ધજા ચડાવતાં ઉત્સવને વધુ ભવ્યતા અપાઈ હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇલોલ ગામના ગ્રામજનો, યુવક મંડળો, મહિલા મંડળો તેમજ ભક્તજનોનો પૂરો સહયોગ રહ્યો હતો. ગામમાં સૌહાર્દ અને એકતાનો સુંદર નજારો જોવા મળ્યો હતો.
ગામના વડીલોએ જણાવ્યું હતું કે દર વર્ષે આ રીતે રામદેવપીર બાપાનો વરઘોડો નીકળે છે, જે ગામમાં ભક્તિભાવ સાથે સાથે સામૂહિક એકતાનું પ્રતિક બની રહે છે.




