JUNAGADH CITY / TALUKO

જુનાગઢ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે દોલતપરમાં ગાયો અને સ્થાનિકોના જીવ જોખમમાં

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : શહેરના દોલતપર વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ખુલ્લી રહેલી ગટરને કારણે એક નિર્દોષ ગાયનું જીવન જોખમમાં મુકાયું છે. જુનાગઢ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાના પરિણામે આ ગટર ખુલ્લી રહી, જેમાં એક ગાય પડી ગઈ. આ ઘટના શહેરની સ્વચ્છતા અને પશુઓની સુરક્ષા પ્રત્યે મહાનગરપાલિકાની ઉદાસીનતાને ઉજાગર કરે છે. આ અંગે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આ ગટર લાંબા સમયથી ખુલ્લી પડી હતી, જેમાં સ્થાનિક રહેવાસીઓ અને પશુઓ માટે જોખમ બની રહી હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા તેને ઢાંકવા કે સમારકામ કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નહોતા. જેના પરિણામે આજે એક ગાય આ ગટરમાં ફસાઈ ગઈ, અને તેને બચાવવા માટે બે જેસીબીની મદદથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવી પડી. વધુમાં સ્થાનિકો દ્વારા જણાવ્યું કે આ ઘટના મહાનગરપાલિકાના નબળા આયોજન અને જવાબદારીના અભાવને સ્પષ્ટ કરે છે.આવી બેદરકારી માત્ર પશુઓના જીવનને જ જોખમમાં નથી નાખતી, પરંતુ શહેરના નાગરિકોની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે. જુનાગઢ મહાનગરપાલિકાને આવી ઘટનાઓની પુનરાવૃત્તિ રોકવા તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ ઊભી થઈ રહી છે. ત્યારે સ્થાનિકોએ મહાનગરપાલિકાને આ ઘોર બેદરકારી માટે જવાબદાર ઠેરવી છે, અને શહેરની સ્વચ્છતા તેમજ નાગરિકો અને પશુઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી હતી.

Back to top button
error: Content is protected !!