ધોળકાની ઈંગોલી પ્રાથમિક શાળામાં ‘પ્રકૃતિ શિક્ષણ માર્ગદર્શન સેમિનાર’ યોજાયો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ જતન સહિતના વિવિધ વિષયો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ધોળકા તાલુકાની ઈંગોલી પ્રાથમિક શાળામાં ગીર ફાઉન્ડેશન દ્વારા ‘પ્રકૃતિ શિક્ષણ માર્ગદર્શન સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.
‘પ્રકૃતિ શિક્ષણ માર્ગદર્શન સેમિનાર’ અંતર્ગત વિદ્યાર્થીઓને પર્યાવરણનું રક્ષણ ન કરવાથી ઊભી થયેલી હાનિકારક અસરો, તેમાંથી બચવાના વિવિધ ઉપાયો, ઈકોબ્રિક્સ કઈ રીતે બનાવી તેમજ ઈકોબ્રિક્સનો ઉપયોગ, પ્લાસ્ટિકના નિકાલ માટેની વિવિધ પદ્ધતિઓ, આહારકડી મુજબ પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનું પર્યાવરણના રક્ષણમાં યોગદાન સહિતના વિષયો પ્રત્યે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ અને પર્યાવરણ જતન માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ફરજો વિશે પણ સેમિનારમાં સમજ આપવામાં આવી હતી. શાળા પરિવાર તરફથી ગીર ફાઉન્ડેશન અને પ્રોગ્રામ કો-ઓર્ડીનેટરનો આભાર માનવામાં આવ્યો હતો.
ગીર ફાઉન્ડેશનના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર મોહમ્મદભાઈ પરમાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અંગે તલસ્પર્શી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય ધર્માંશુ પ્રજાપતિ દ્વારા તજજ્ઞનો પરિચય આપીને શાબ્દિક સ્વાગત કરીને તજજ્ઞને આવકારવામાં આવ્યા હતા.





