
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતેનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં સભાખંડમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો 76માં વન મહોત્સવની ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં વન વિભાગ દ્વારા અહી વનમહોત્સવનો હેતુ સાર્થક થાય તે માટેનાં સફળ પ્રયાસો કર્યા હતા.આ કાર્યક્રમમાં દક્ષિણ ડાંગ વન વિભાગનાં એસીએફ આરતીબેન ડામોર દ્વારા ડાંગ જિલ્લામાં 76માં વન મહોત્સવ અંગેની રૂપરેખા આપી ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ, અહી ડુંગરડા આશ્રમ શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.અહી ઉપસ્થિત તમામ મહેમાનોનું ચંદનનાં રોપા આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.નીરજકુમાર(IFS)એ જણાવ્યુ હતુ કે વન મહોત્સવને 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ લોક જનજાગૃતિનો છે.જંગલોનું સંરક્ષણ અને સંવર્ધન માટે ડાંગ જિલ્લાનું વન વિભાગ આજે કટિબદ્ધ બન્યુ છે. ડાંગ જિલ્લાનું વન વિભાગ જુદી જુદી યોજનાઓ થકી લોકોને આર્થિક લાભ સહીત જંગલોનું સંરક્ષણ કરી રહ્યુ છે.ડાંગ જિલ્લામાં માલિકી યોજના અંતર્ગત લાભાર્થીઓને અંદાજે 24 કરોડની સહાય આપવામાં આવી છે.ડાંગ જિલ્લાનાં દક્ષિણ અને ઉત્તર વન વિભાગ હસ્તકનાં જંગલોમાં ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન દ્વારા બીજનું વાવેતર અને પ્લાન્ટરેશન કરવામાં આવી રહ્યુ છે.ડાંગ જિલ્લાનું વન વિભાગ આજે જંગલોનાં પાયાનું સંરક્ષણ કરી રહ્યુ છે.ડાંગ જિલ્લામાં ગ્રીન ક્રેડિટ યોજના આવનાર દિવસોમાં લાભદાયી બનશે.સાથે આવનાર દિવસોમાં ક્લીન ડાંગ અને ગ્રીન ડાંગ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પુનિત નૈયર IFS વન સંરક્ષક સુરત સર્કલનાઓએ જણાવ્યું હતુ કે ડાંગ જિલ્લામાં વનમહોત્સવની ઉજવણી અનોખી રીતે થાય છે.વનમહોત્સવની રૂપ રેખા આપતા જણાવ્યું કે પોતાના વિસ્તારને હરિયાળા બનાવીએ,ગ્લોબલ વોર્મિંગનાં કારણે વાતાવરણ અને ખેતીને નુકશાન થઈ રહ્યુ છે,જેથી જંગલોનું સંરક્ષણ કરવુ જરૂરી બન્યુ છે.ડાંગ જિલ્લામાં 35 લાખ કરતા વધુ રોપાઓનું વાવેતર કરાયુ છે.જે ગૌરવની બાબત છે.જેમાં એક પેડ માં કે નામની સફળતા ડાંગ જિલ્લાના વન વિભાગ દ્વારા સાર્થક કરી છે.ડાંગીજનોએ વૃક્ષોનાં વાવેતર કરીને વૃક્ષોનું સંતાનોની માફક કાળજી રાખવી જોઈએ.વન મહોત્સવ એટલે પર્યાવરણની જાળવણી એ જ વિકાસની સાચી સિદ્ધિ હોવાનું જણાવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં 76માં વન મહોત્સવનાં અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક એવમ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યુ હતુ કે આદિવાસી સમાજ એ પ્રકૃતિ પૂજક છે.એટલે વન મ્હોત્સવ એ ડાંગ જિલ્લાનો પોતીકો ઉત્સવ છે.ડાંગ જિલ્લાનાં લોકોને વનો સાથે લગાવ છે.ડાંગ જિલ્લામાં પૂર્વજોથી જંગલોનું રક્ષણ થતુ આવ્યુ છે.ડાંગ જિલ્લામાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવુ જોઈએ,આજે જંગલો છે તો ડાંગ જિલ્લામાં પ્રવાસન ઉધોગને સકારાત્મક વેગ મળ્યો છે.સાથે સાથે જંગલ વિસ્તારનાં પ્રવાસન સ્થળોએ સ્થાનિક લોકોને પણ આર્થિક વેગ સાંપડી રહ્યો છે.તેઓએ એક પેડ માં કે નામ અંતર્ગત ધરતી માતાનું ઋણ ચૂકવવાનું આહવાન કર્યુ હતુ.ડાંગ જિલ્લાનાં લોકોએ જન્મદિવસ, લગ્નદિવસની એનિવર્સી અથવા ખાસ દિવસે પરિવારજનોએ એક એક વૃક્ષનું વાવેતર કરવુ જોઈએ.ડાંગવાસીઓએ સંકલ્પબધ બની દરેક પર્વમાં વૃક્ષારોપણ કરવુ જોઈએ.રાજય સરકારે જંગલ જમીન હક્ક દાવા આપી સરાહનીય કામગીરી હાથ ધરી છે.ડાંગ જિલ્લાનાં વનકર્મીઓને જંગલનાં સંરક્ષણ અને સંવર્ધન માટે સહકાર આપવા લોકોને અનુરોધ કર્યો હતો.તેઓએ જીતે બી લકડી અને મરતે બી લકડીનું સૂત્ર ચરિતાર્થ કરી જંગલોની મહિમા સમજાવી હતી.વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે ડાંગ જિલ્લામાં કદાપી મહાકાય ડેમો બનશે નહી અમુક કૉંગ્રેસનાં આગેવાનો ખોટી રીતે ડાંગનાં લોકોને ભરમાવી ગેરમાર્ગે દોરી રહ્યા છે.ડાંગ જિલ્લામાં મહાકાય ડેમો તો બનશે જ નહિ પરંતુ પાણીની સગવડો માટે નાનકડા ચેકડેમો બનાવવામાં આવશે અને જેનાથી કોઈ વિસ્થાપન કે જમીન જશે નહિ કે કોઈને નુકશાન થશે નહિ જેની હું ખાતરી આપુ છું.વઘઇ ખાતે 76માં વન મહોત્સવ નિમિત્તે લાભાર્થીઓને માલિકી યોજના તથા વાડી યોજના સહીત વિવિધ યોજનાઓનાં લાભોનું વિતરણ સ્ટેજ પરથી કરવામાં આવ્યુ હતુ.બાદમાં ઉપસ્થિત મહેમાનોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં કેમ્પસમાં વૃક્ષારોપણ કરી રોપણ કરેલ વૃક્ષની માવજત કરવાની નેમ વ્યક્ત કરી હતી.ડાંગ જિલ્લાનાં 76માં વન મહોત્સવમાં ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવીત,વાસુર્ણા સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, વન સંરક્ષક સુરત વિભાગનાં પુનિત નૈયર(IFS),દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.નિરજકુમાર (IFS),પ્રાયોજના વહીવટદાર આનંદ પાટીલ(IAS),એસીએફ સર્વેમાં આરતીબેન ડામોર,જૈનિલ દેસાઈ(IFS),રાહુલ પટેલ,ગુજરાત ભાજપા આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન સહીત પંકજભાઈ પટેલ,બિપીનભાઈ રાજપૂત તેમજ ઉત્તર અને દક્ષિણનાં તમામ આર.એફ.ઓ તથા વનકર્મીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા..






