તા.૦૯.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
DAHOD:દાહોદ એ ડીવિઝન પોલિસ સ્ટેશનમાં ડી.સ્ટાફના લાંચીયા પોલીસ કર્મીને પંચમહાલ ACB એ લાંચ લેતા રંગે હાથ ઝડપીયો
અરજીના નિકાલ માટે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકના એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ જાહેરમાં સરેઆમ રૂપિયા ૩૦૦૦/- ની લાંચ લેતા પંચમહાલ એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ આબાદ ઝડપાઈ જતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે લાંચિયા પોલીસ કર્મીઓમાં ભય સહિતનો ફાફડાટ ફેલાવા પામ્યો છે. . પ્રાપ્ત વિગત અનુસાર દાહોદના એક જાગૃત નાગરિક વિરુદ્ધની અરજીના નિકાલ માટે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ વાઘમસીએ તે જાગૃત નાગરિક પાસે રૂપિયા ૫૦૦૦/- ની માગણી કરી હતી. જેથી જાગૃત નાગરિકે પોતાની પાસે હાલ પૈસાની વ્યવસ્થા નથી તેમ જણાવ્યું હતું. જેથી પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘમસીએ અરજીના નિકાલ માટે રૂપિયા ૩૦૦૦/-આપી દે તેમ જણાવ્યું હતું. અને લાંચની રકમ આપવાની તારીખ પણ તે વખતે નક્કી કરી દેવામાં આવી હતી. પરંતુ જાગૃત નાગરિક અરજીના નિકાલ માટે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ વાઘમસીએ માગેલ લાંચની રકમ આપવા માંગતા ના હોઈ તેઓએ આ મામલે પંચમહાલ એન્ટી કરપ્શન બ્યુરો કચેરીનો સંપર્ક કર્યો હતો. અને આ મામલે ફરિયાદ નોંધાવતા ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈ પંચમહાલ એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક બી.એમ.પટેલના સુપરવિઝનમાં ગઈકાલે રાતે નિર્ધારિત ટ્રેપીંગના સ્થળે ટ્રેપીંગ અધિકારી ઇન્ચાર્જ ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી આર.બી પ્રજાપતિએ પોતાની ટીમના માણસોને સાથે લઈ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર છટકું ગોઠવ્યું હતું. અને ફરિયાદ કરનાર જાગૃત નાગરિકને રૂપિયા૩૦૦૦/- ની કિંમતની પાવડર વાળી ચલણી નોટો આપી હતી. અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે બે રાજ્યસેવક પંચોની હાજરીમાં પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ વાઘમસીએ જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી. પોલીસ સ્ટેશનના ગેટ પાસે જાહેરમાં સરેઆમ રૂપિયા ૩૦૦૦/-ની લાંચની માગણી કરી સ્વીકારી લાંચની રકમ લેતા પંચમહાલ એસીબીની ટીમે લાંચીયા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ વાઘમસીને રંગે હાથ આબાદ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.