ભરુચ પોલીસનું બિહારમાં ઓપરેશન:રિક્ષા ડ્રાઈવરનો વેશ ધારણ કરી 15 વર્ષથી ફરાર આરોપીને નાલંદાથી ઉઠાવી લીધો

સમીર પટેલ, ભરૂચ
વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર છૂટેલો એક આરોપી છેલ્લા 15 વર્ષથી ફરાર હતો. તેને બિહારના નાલંદાથી ભરૂચ SOG પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વરૂણસિંહ સચ્ચિદાનંદસિંહ રાજપુત અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ધાડ અને આર્મ્સ એક્ટના કેસમાં દોષિત હતો. તેને વડોદરા મધ્યસ્થ જેલમાં સજા થઈ હતી. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને 18 સપ્ટેમ્બર 2010ના રોજ 7 દિવસની પેરોલ રજા મળી હતી.
આરોપીએ 24 સપ્ટેમ્બર 2010ના રોજ જેલમાં પરત ફરવાનું હતું. પરંતુ તે હાજર ન થયો અને ફરાર થઈ ગયો. SOG ભરૂચના ASI જયેન્દ્રસિંહને બાતમી મળી કે આરોપી બિહારના નાલંદામાં છે. પોલીસની ટીમે બિહાર જઈને રિક્ષા ડ્રાઈવરનો વેશ ધારણ કર્યો. બે દિવસની સઘન તપાસ બાદ આરોપીને ઝડપી પાડ્યો. આરોપી અંકલેશ્વરના સિદ્ધેશ્વરી સોસાયટીનો રહેવાસી છે અને મૂળ બિહારના નાલંદા જિલ્લાનો વતની છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ હતી. હવે આરોપીને ભરૂચ લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




