જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે તાલીમ તથા પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયુ

*જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે તાલીમ તથા પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયુ*
**********
સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કેનીંગ યોજના અંતર્ગત મહિલા વૃતિકા ઘટક હેઠળ હિમંતનગરના હડિયોલ ગામની ૪૫ બહેનોને પાંચ દિવસની તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ તાલીમમાં મહિલાઓ બાગાયત પેદાશોનુ મૂલ્યવર્ધન જેવુ કે, જામ, જેલી, કેચપ, વિવિધ અથાણા, સૂકવણી વગેરે બનાવટો બનાવી વેચાણ કરી આત્મનિર્ભર બને તે માટે નાયબ બાગાયત નિયામકશ્રી ડી. એમ. પટેલ તથા બાગાયત અધિકારી શ્રીમતિ. એસ.કે.ચૌધરીએ માર્ગદર્શન આપ્યુ હતુ. મૂલ્યવર્ધન વિષયના નિષ્ણાત બાગાયત મદદનીશશ્રી. એન. આર. પટેલ તેમજ તેમની ટીમ દ્વારા મહિલાઓને પ્રત્યક્ષ તેમના ગામમાં જઇને પાંચ દિવસ તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ દરમિયાન બહેનો વ્યવસાયીક ધોરણે કામગીરી શરૂ કરી પગભર થાય તેમજ આત્મનિર્ભર બને તે હેતુસર પ્રેરણા પ્રવાસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખેડબ્રહ્માના ખેરોજ ગામ ખાતે આદિજાતિ વિસ્તારની બહેનો તથા વિક્સત સંસ્થા દ્વારા સંચાલીત હળદર તથા આદુના પાવડર બનાવતા યુનિટ તેમજ ઇડરના સાબલવાડ ગામ ખાતે ટામેટા પાક માંથી મૂલ્યવર્ધન કરી કેચપ, સોશ બનાવતા ટોમેજો કંપનીના એકમની બહેનોને પ્રત્યક્ષ મુલાકાત કરાવવામા આવી હતી.


