*સાબરકાંઠા જિલ્લામાં 6થી 8 ઓગસ્ટ, 2025 દરમિયાન આયોજિત ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ ઉત્સવ ઉજવાશે*

અહેવાલ:- પ્રતિક ભોઈ
संस्कृत भाषा:देवभाषायाःगौरवम् वेदानां वाणी,संस्कृतस्य गौरवम्
संस्कृत सप्ताहस्य त्रिदिवसीय कार्यक्रमस्य आयोजनम्
(સંસ્કૃત સપ્તાહના ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન)
*ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી આ ભાષાને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીમાં તેના પ્રત્યે રુચિ જગાવવાનો એક સફળ પ્રયાસ*
*સાબરકાંઠા જિલ્લામાં 6થી 8 ઓગસ્ટ, 2025 દરમિયાન આયોજિત ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહ ઉત્સવ ઉજવાશે*
સંસ્કૃત ભાષા, જેને દેવભાષા તરીકે ઓળખવામાં આવે છે, ભારતની પ્રાચીન સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક ધરોહરનું પ્રતીક છે. આ ભાષા માત્ર શબ્દોનો સમૂહ નથી, પરંતુ જ્ઞાન, નૈતિક મૂલ્યો અને ધર્મનું સંનાદ છે, જે વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં સમાયેલું છે. સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ પણ અનન્ય છે, કારણ કે તેનું વ્યાકરણ અને શબ્દભંડોળ આધુનિક ભાષાઓના વિકાસમાં પાયારૂપ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી આ ભાષાને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીમાં તેના પ્રત્યે રુચિ જગાવવાનો એક સફળ પ્રયાસ છે.
ગુજરાત સહીત સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૬થી ૮ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન યોજાનાર સંસ્કૃત ગૌરવ યાત્રા અને અન્ય કાર્યક્રમો યોજાશે. આ યાત્રામાં શાળા-મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સંસ્કૃત ટેબ્લો, વેશભૂષા, રાસ-ગરબા, ગીતો તથા વેદમંત્રોચ્ચાર દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર થાય તેના કાર્યક્રમ યોજાશે. ટેબ્લોમાં સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ, ભાષાની ઉત્પત્તિ, પ્રાચીન ભારતની ધરોહર અને સંસ્કૃત ગુરુકુળના વિદ્યાર્થીઓ વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સાથે સંસ્કૃત સાહિત્ય જેવી વિષયવસ્તુ રજૂ કરશે. આ કાર્યક્રમો દ્વારા શાળા-મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સંસ્કૃત ટેબ્લો, વેશભૂષા, રાસ-ગરબા, ગીતો અને વેદમંત્રોચ્ચાર દ્વારા સંસ્કૃતની સમૃદ્ધિને ઉજાગર કરશે.
આ ઉત્સવનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રુચિ વધારવાનો છે. ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અને શતમ સુભાષિત કંઠપાઠ યોજના આ દિશામાં સહાયરૂપ છે. આ યોજનાઓ નૈતિક મૂલ્યોનું સિંચન કરવા અને સંસ્કૃતના પ્રચાર માટે શિક્ષકો, સંશોધકો અને સંસ્થાઓને પ્રોત્સાહન આપે છે.
સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. સંસ્કૃતના આ ગૌરવમય ઉત્સવને સફળ બનાવવા શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને કાર્ય કરવું જરૂરી છે. આ ઉત્સવ દ્વારા નવી પેઢીમાં સંસ્કૃતનું મહત્વ સ્થાપિત થશે અને ભારતની પ્રાચીન ધરોહરનું ગૌરવ વધશે.



