
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ રવિપ્રસાદ રાધાક્રિષ્ના(IFS)ની મરીન નેશનલ પાર્ક ડિવિઝન જામનગર ખાતે બદલી તો ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશભાઈ રબારી(GFS)ની વલસાડ ખાતે બદલી થઈ..
ગતરોજ ગુજરાત રાજય સરકાર દ્વારા વન વિભાગનાં IFS અને GFS કક્ષાનાં અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપ્યો છે.જેમા ડાંગ જિલ્લામાંથી દક્ષિણ અને ઉત્તર એમ બન્ને વન વિભાગનાં ડી.સી.એફ. (નાયબ વન સંરક્ષક)ની બદલીનો સમાવેશ કરાયો છે.આ બદલીઓના પગલે જિલ્લામાં નવા અધિકારીઓની નિમણૂક પણ કરવામાં આવી છે.વર્તમાન અધિકારીઓની બદલીમાં
ડાંગ દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના (IFS) ની બદલી મરીન નેશનલ પાર્ક ડિવિઝન, જામનગર ખાતે ડી.સી.એફ. તરીકે કરવામાં આવી છે.તેમણે ડાંગમાં ઉત્તમ સેવાઓ પૂરી કરી હવે જામનગરના દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણની જવાબદારી સંભાળશે.તેમજ ડાંગ ઉત્તર વન વિભાગના ડી.સી.એફ. દિનેશભાઈ રબારી (GFS) ની બદલી વલસાડ (દક્ષિણ) માં ડી.સી.એફ.તરીકે થઈ છે. દિનેશભાઈ રબારી હવે વલસાડ જિલ્લાના દક્ષિણ વિસ્તારમાં વન સંરક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય સંભાળશે.તેમજ આ બન્ને અનુભવી અધિકારીઓની બદલી થતા તેમના સ્થાને નવા અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવેલ છે.આ બદલીઓના પરિણામે ડાંગ વન વિભાગમાં બે નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.ઉત્તર ડાંગ વન વિભાગના ડી.સી.એફ.તરીકે મુરારી લાલ મીના (IFS)ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ હવે ઉત્તર ડાંગનાં વન્યજીવન અને વન વિસ્તારોની દેખરેખ રાખશે.જ્યારે દક્ષિણ ડાંગના ડી.સી.એફ.તરીકે નીરજ કુમાર(IFS)ની નિમણૂક કરવામાં આવેલ છે.તેઓ દક્ષિણ ડાંગના સમૃદ્ધ વન્યસંપદાના સંરક્ષણ અને વિકાસની જવાબદારી સંભાળશે.
આ બદલીઓ અને નિમણૂકોથી ડાંગ વન વિભાગનાં કાર્યક્ષેત્રમાં નવી ગતિશીલતા આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે..



