GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી; રૂમલાના પ્રાકૃતિક ફાર્મમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને ખેડૂતોએ અનેક રસપ્રદ કિસ્સા જણાવ્યા…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામે મારૂતિ મંથન પ્રાકૃતિક ફાર્મમાં ખેડૂતો સાથે લાગણીસભર સંવાદ કર્યો હતો, જેમાં અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના સુખદ અનુભવો વર્ણવ્યા હતા. તેમના અનુભવો અને પ્રાકૃતિક ખેતીને ગામે ગામ અને ઘર ઘર સુધી લઈ જવાની ખેડૂતોની ઉત્કૃષ્ટ ભાવનાને રાજ્યપાલશ્રીએ બિરદાવી હતી.

રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાવાળી ઝેરયુક્ત ખેતીથી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળેલા કચ્છના ખેડૂતની શરૂઆતથી અત્યાર સુધી સફર જણાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કર્યા હતા અને ત્યારબાદ ઉપસ્થિત ખેડૂતોને પોતાના મનની વાત જણાવવા માટે અવકાશ આપ્યો હતો, જેમાં યુવા પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થયેલી ખેત પેદાશની એટલી બધી ડિમાન્ડ છે કે, પ્રાકૃતિક ખેતી કરતા અમે સ્થાનિક ખેડૂતોએ સૌપ્રથમ એક વોટ્સએપ ગૃપ બનાવ્યું છે, ત્યારબાદ અમે બધા એ સંગઠિત થઈ એક નવી પહેલ કરી છે.

ગુજરાતમાં પ્રથમવાર અમે પ્રાકૃતિક ખેત પેદાશનું એવું આઉટલેટ બનાવ્યું છે કે, જે સપ્તાહના સાતેય દિવસ ચાલુ રહે છે અને લોકોને પોતાની મનગમતી શાકભાજી, ફળ ફ્રુટ કે અનાજ મળી રહે છે. જેના કારણે ગ્રાહકો બીજે ક્યાંય જતા નથી. સ્થાનિક ખેડૂતોની આ પહેલને સહર્ષ વધાવી લઈ રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

ખેડૂત જયેશભાઇએ પોતાનો અનુભવ વર્ણવતાં કહ્યું કે, લોકો સામેથી પ્રાકૃતિક શાકભાજી માંગે છે અને મારા દ્વારા હોમ ડિલીવરીની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં હું મારા ભાવે શાકભાજી વેચી શકું છું.

વલસાડના રાબડા ગામના ખેડૂત રાજેશભાઈએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી કરવા માટે મેં મારી સરકારી નોકરી છોડી દીધી હતી, આજે મારી પાસે ૧૫ ગાય અને ૦૫ નંદી મહારાજ છે, હું મારા પરિવાર સાથે પ્રાકૃતિક ખેતીમાં શાકભાજી અને ફળફ્રુટ કરી રહ્યો છું. જેના પ્રત્યુત્તરમાં રાજ્યપાલશ્રીએ પૂછ્યું કે, સરકારી નોકરી છોડીને નુકશાન તો નથી થયું ને? જેના જવાબમાં ખેડૂત રાજેશભાઈએ જણાવ્યું કે, રાબડા ગામમાં પ્રાકૃતિક ખેત પેદાશનો મારો સ્ટોલ છે જ્યાંથી બધી જ વસ્તુ વેચાઈ જાય છે. મારો આખો પરિવાર પ્રાકૃતિક ખેતી પર નિર્ભર છે. વલસાડના રોણવેલ ગામમાં રહેતા અને એમ.એસ.સી, પીએચડીની ડીગ્રી ધરાવતા ખેડૂત અશોકભાઈ પટેલે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, અમારા ખેતરમાં ૨૫ વર્ષથી ઝેરમુક્ત ખેતી જ થાય છે. લોકો ઘર શોધતા પ્રાકૃતિક ખેત પેદાશની ખરીદી કરવા માટે આવે છે. મારે માર્કેટમાં વેચવા માટે જવું પડતું નથી. ખેડૂત અશોકભાઈએ અન્ય ખેડૂતોને જણાવ્યું કે, જો કોઈવાર આંબાનો પાક નિષ્ફળ જાય તો તે સમયે મિશ્રપાક પદ્ધતિ પ્રમાણે આંબાના ઝાડની નીચે હળદર અથવા ડ્રેગનની ખેતી કરી હોય તો ખેડૂતને નુકશાન થતું નથી. આમ, અનેક ખેડૂતોએ રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીના પોતાના રસપ્રદ કિસ્સા જણાવતા રાજ્યપાલશ્રીએ તમામ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા પુરી પાડી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!