Dhoraji: ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી બનતી ધોરાજીના ભુખી ગામની કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ

તા.૧૨/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાષ્ટ્રીય પક્ષી મોરની રંગોળી અને આઝાદી અંગે વક્તવ્ય આપીને રાષ્ટ્ર ભાવના જગાવી
Rajkot, Dhoraji: ગુજરાત સરકાર દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોમાં રહેલી દેશદાઝની ભાવના જગાવવાના આશયથી ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ અભિયાનમાં વિદ્યાર્થીનીઓને સહભાગી બનાવવાના હેતુસર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની ભુખી કન્યા શાળામાં રંગોળી સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.
બાળાઓએ રંગોળી સ્પર્ધામાં રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્ર ધ્વજ જેવી આકૃતિઓ અને ‘વંદે માતરમ્’ જેવા સૂત્રો સાથે વિવિધ રંગોળીઓ રચીને દેશભક્તિને ઉજાગર કરી હતી. તેમજ વિદ્યાર્થીનીઓએ વકતૃત્વ સ્પર્ધામાં આઝાદીની લડત વિષયક વક્તવ્ય આપ્યું હતું. આ તકે આચાર્યશ્રી જસ્મીનાબેન અઘેરા અને શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને આ બંને સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ વધાવી હતી, તેમ ધોરાજી મામલતદારની યાદીમાં જણાવાયું છે.





