શિનોર પોલીસ દ્રારા સાધલી ગામે ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી આપી સરાહનીય કામગીરી કરી
ફૈઝ ખત્રી... શિનોર ઉત્તરાયણ એટલે પતંગ અને દોરીનો તહેવાર .એક એવો તહેવાર કે જે નાના મોટા સૌ કોઈ આનંદ ઉલ્લાસ સાથે માણે છે.ત્યારે આગામી 14મી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ નો તહેવાર આવતો હોય,તે પહેલાં જ આકાશમાં પતંગો ચગવાની શરૂઆત થઈ ગઈ છે.ત્યારે પતંગ દોરી ના અકસ્માત ના બનાવો બનતા અટકાવવા માટે શિનોર પોલીસ દ્વારા આજરોજ શિનોર તાલુકાના સાધલી ગામે નવીન બનેલ સર્કલ પાસેથી પસાર થતાં ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી આપવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસ કર્મીઓ દ્વારા જાતે જ ટુ વ્હીલર વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા.આ ઉપરાંત જે ટુ વ્હીલર વાહન ચાલકો બાળકોને આગળ બેસાડી વાહન ચલાવતા હોય તેવા વાહન ચાલકોને બાળકોને આગળ ના બેસાડવા માટે સમજ પણ આપવામાં આવી હતી.ત્યારે ટુ વ્હીલર વાહનો પર સુરક્ષા કવચ સમાન સેફ્ટી ગાર્ડ લગાવી આપવાની શિનોર પોલીસની સરાહનીય કામગીરીને વાહન ચાલકોએ બિરદાવી હતી.