DEDIAPADAGUJARATNARMADA

સાગબારા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેકટર સહિત તમામ અધિકારીઓનો ઉધડો લીધો

સાગબારા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેકટર સહિત તમામ અધિકારીઓનો ઉધડો લીધો

તાહિર મેમણ – ડેડીયાપાડા – 02/01/2026 – સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના લોકાર્પણમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન અપાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેકટર સહિત તમામ અધિકારીઓને ખખડાવ્યા કલેક્ટરને અમારાથી શું તકલીફ છે? શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી?આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી

મને આમંત્રણ ન આપ્યું, એ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે: ચૈતર વસાવા ઍ જણાવ્યુ

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના લોકાર્પણમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે 240ની કેપેસિટી વાળી, 16 ક્લાસરૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી સહિત તમામ સુવિધાઓથી સજ્જ સંકુલ બનાવવામાં આવ્યું છે. અહીંયાથી ભણી ગણીને યુવાનો પોતાની કારકિર્દીને આગળ વધારશે, માટે ગુજરાત સરકારના આ સાહસને અમે બિરદાવીએ છીએ. આ કાર્યક્રમમાં સરકારના મંત્રી અને સાંસદ પોતે બેઠા છે તો હું કહેવા માગું છું કે મારા વિસ્તારમાં આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પરંતુ કલેક્ટર કે પ્રાંત અધિકારી સહિત કોઈએ મને શા માટે આમંત્રણ આપ્યું નહીં? આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કરીને કે પત્રિકા આપીને જાણ કરી નથી, આ બાબતે ખુલાસો કરવામાં આવે. કારણ કે આ મારું નહીં પરંતુ મારી જનતાનું અપમાન છે. કોઈ પત્રિકામાં મારું નામ છાપે અથવા તો કોઈ તકતીમાં મારું નામ છપાય તો જ હું કાર્યક્રમમાં આવું એવો માણસ નથી. મને મારા એક સરપંચે કહ્યું કે “આટલો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, માટે તમારે આવવું પડશે” તો એમની વાત સાંભળીને હું આવ્યો છું.

ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટર સહિતના અધિકારીઓને સવાલ કરતા કહ્યું કે, હું કલેક્ટરને પૂછવા માગું છું કે અમારાથી શું તકલીફ છે? શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી? તમારું વહીવટી તંત્ર શું ધંધા કરે છે, એ બધી અમને ખબર છે. હમણાં પ્રધાનમંત્રી મોદી આવ્યા હતા, એમાં અમારા આદિજાતિ વિકાસના કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. અમે જ્યારે સવાલ પૂછીએ તો ત્યારે તમને નડીએ છીએ? જનતાના ટેક્સના પૈસાનો પગાર મને પણ મળે છે અને તમને પણ મળે છે, કલેક્ટરથી લઈને તલાટી સુધી તમે બધા જનતાના નોકર છો અને અમે સેવક છીએ. અમને અધિકાર આપવામાં આવ્યા છે અને અમે પ્રતિનિધિ છીએ. જનતાના પ્રતિનિધિને શા માટે આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા ન હતા? કોઈના કમલમના પૈસાથી આ બિલ્ડીંગ નથી બની. અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છીએ પરંતુ અમારો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે.

આ સમગ્ર ઘટના બાદ ધારાસભ્ય ચૈતર સવારે મીડિયા સમક્ષ વિડિયોના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, એકલવ્ય મોડેલ રેસીડેન્સીલ સ્કૂલ 2013થી સાગબારામાં કાર્યરત હતી અને એની બિલ્ડીંગ અને સંકુલનું કામ બાકી હતું. આજે આદિજાતિ વિકાસ વિભાગ, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એનું કામ પૂરું થયું છે, તેના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, કલેક્ટર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ કામને અમે સહર્ષતાથી વધાવીએ છીએ. આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ ભણે અને પોતાની કારકિર્દી બનાવે એવી અમે શુભકામનાઓ પાઠવી છે. કાર્યક્રમ ખૂબ સારો થયો, વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજૂ કરી, અહીંનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે. તમામ વિદ્યાર્થીઓને ખુબ ખુબ શુભકામનાઓ.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, મારા મતવિસ્તારમાં આ ગુજરાત સરકારના કાર્યક્રમનું આયોજન થયું હતું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મને ફોન સુધ્ધા કરવામાં આવ્યો નથી અને આમંત્રણ પત્રિકા પણ આપવામાં આવી નથી. લોકોએ મને જનપ્રતિનિધિ તરીકે પસંદ કર્યો છે અને મારા મત વિસ્તારમાં આવો કાર્યક્રમ થાય છે પરંતુ મારી અવગણના કરવામાં આવે છે, તો એ મારી અવગણના નથી પરંતુ મારી જનતાની અવગણના છે. અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાનું કામ કરે છે. તક્તિમાં કે કાર્ડમાં મારું નામ નથી એનાથી મને કોઈ ફરક પડતો નથી કારણ કે અમે લોકોના મનમાં અને દિલમાં વસીએ છીએ. અમને જે બંધારણીય અધિકારો મળ્યા છે, તે પ્રમાણે પ્રોટોકોલ જળવાવું જોઈએ, એ મુદ્દે અમે સૂચન પણ કર્યું છે. સરકારના મંત્રીએ અધિકારીઓનું પણ આ બાબતે ધ્યાન દોર્યું છે. આ કાર્યક્રમમાં જે ભૂલ થઈ એ કલેક્ટર અને પ્રાયોજનાની ભૂલ છે અને આવનાર દિવસોમાં અમે ખુલાસો માંગીશું. અમારા સ્વાભિમાન પર કોઈ પણ વાત આવશે તો અમે સહન કરીશું નહીં.

Back to top button
error: Content is protected !!