
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરે ૧૪ વર્ષના તૂટતા લગ્નજીવનને બચાવી લીધું
*માનસિક ત્રાસ અને ઘરેલુ હિંસાથી પીડિત મહિલાને આશ્રય, કાઉન્સેલિંગ અને સમાધાન દ્વારા સલામત પુનઃસ્થાપન*
અરવલ્લી જિલ્લાની કલેક્ટર ની અધ્યક્ષતા હેઠળ અને જિલ્લા મહિલા બાળ અધિકારી મનસુરી હસીનાબેનના માર્ગદર્શન હેઠળ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદથી એક મહિલાને તાત્કાલિક આશ્રય આપવામાં આવ્યો હતો. આ કેન્દ્રે મહિલાને જીવન જરૂરિયાત કીટ તથા મેડિકલ તપાસ પણ ઉપલબ્ધ કરાવી હતી.જિલ્લા મહિલા બાળ અધિકારી મનસુરી હસીનાબેનના જણાવ્યા અનુસાર, આ મહિલાના લગ્નને ૧૪ વર્ષ થયા છે અને તેમને બે સંતાનો (બે દીકરીઓ) છે. છેલ્લા ૧૪ વર્ષથી પતિ, સાસુ તથા સસરા દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ દારૂ પીને ઝઘડો કરતા અને મારપીટ કરતા. તાજેતરમાં સાસુએ ઝઘડો કરીને મહિલાને ઘરમાંથી કાઢી મુકી હતી. આ માનસિક ત્રાસ સહન ન થતાં મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મદદથી પોતાની બે દીકરીઓ સાથે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય લીધો હતો.
સેન્ટર ખાતે મહિલાનું વ્યાવસાયિક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ પિયર પક્ષ તથા સાસરી પક્ષના સભ્યોને બોલાવીને પરસ્પર સંવાદ અને સમજુતીનું વાતાવરણ સર્જાયું. પતિ તથા સાસુને સમજાવવામાં આવ્યું કે મહિલાને ઘરે લઈ જવા પછી કોઈ પણ પ્રકારનો માનસિક કે શારીરિક ત્રાસ આપવો નહીં. તેમને મહિલાઓના અધિકારો અને સંબંધિત કાયદાઓ વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી. પિયર પક્ષને પણ તેમની દીકરીને સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી.બંને પક્ષો વચ્ચે સમાધાન થયા બાદ મહિલાનું સલામત રીતે પતિ સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. આમ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓના સમર્પિત પ્રયાસોથી ૧૪ વર્ષના લગ્નજીવનને તૂટતું અટકાવીને એક પરિવારને ફરીથી જોડવામાં સફળતા મેળવવામાં આવી છે.સખી વન સ્ટોપ સેન્ટર (ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની નિર્ભયા ફંડ હેઠળની યોજના) ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ કે અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને એક જ છત્ર હેઠળ આશ્રય, કાઉન્સેલિંગ, મેડિકલ સહાય, કાનૂની મદદ અને પુનઃસ્થાપનની સુવિધા પૂરી પાડે છે. આ કેન્દ્ર ૨૪ × ૭ કાર્યરત રહે છે.




