GUJARATSINORVADODARA

સાધલીમાં મુસ્લિમ યંગ સર્કલ દ્વારા રમઝાન નિમિત્તે સસ્તા ભાવે ફ્રૂટનું વેચાણ – સૌહાર્દનો અનોખો સંદેશ


ફૈઝ ખત્રી…શિનોર
સાધલી ગામમાં પવિત્ર રમઝાન માસના પાવન અવસર પર સાધલી મુસ્લિમ યંગ સર્કલ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સસ્તા ભાવે ફ્રુટ ના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પહેલને ગામલોકો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો છે અને સમગ્ર શિનોર તાલુકામાં આનંદ તથા એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
રમઝાન માસ દરમિયાન ઉપવાસ રાખતા રોજેદારો માટે ઇફ્તાર સમયે ફળોનું વિશેષ મહત્વ હોય છે. બજારમાં ફળોના વધતા ભાવને ધ્યાનમાં રાખીને મુસ્લિમ યંગ સર્કલ દ્વારા સામાન્ય લોકો સુધી સસ્તા અને ગુણવત્તાસભર ફળો પહોંચે તે હેતુસર આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સંગઠનના યુવાનો દ્વારા જાતે જ ખરીદી, ગોઠવણ અને વેચાણની જવાબદારી સંભાળી સેવા કાર્યને સફળ બનાવવામાં આવ્યું છે.

સાધલી બસ સ્ટેન્ડની બાજુમાં અનુકૂળ સ્થળે ફળોની દુકાન ગોઠવવામાં આવી છે, જેથી ગામ તેમજ આસપાસના વિસ્તારોના લોકો સરળતાથી તેનો લાભ લઈ શકે. દુકાન પર તરબૂચ. સફરજન, કેળા, પપૈયા, દાડમ સહિત વિવિધ તાજા ફળો બજારભાવ કરતાં ઓછા ભાવે વેચાણ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મધ્યમવર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આ પહેલ આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.

આ આયોજનની સૌથી પ્રશંસનીય બાબત એ છે કે અહીં કોઈ જાતિ, ધર્મ કે વર્ગનો ભેદભાવ રાખ્યા વગર હિંદુ અને મુસ્લિમ બંને સમાજના લોકોને સમાન રીતે ફળો આપવામાં આવે છે. જેના કારણે ગામમાં ભાઈચારો, એકતા અને પરસ્પર સૌહાર્દનું સુંદર દ્રશ્ય સર્જાયું છે. અનેક લોકોએ સંગઠનની આ પહેલને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી પ્રશંસા વ્યક્ત કરી છે.

મુસ્લિમ યંગ સર્કલના સભ્યો મુજબ, તેમનો હેતુ માત્ર સસ્તા ભાવે ફળ વેચાણ કરવાનો જ નથી, પરંતુ સમાજમાં સેવા, સહકાર અને એકતાનો સંદેશ પહોંચાડવાનો પણ છે. યુવાનોની સક્રિય ભાગીદારી અને સેવાભાવના કારણે આ આયોજન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.
આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવે છે અને ધાર્મિક પ્રસંગોને માનવતા અને સહકાર સાથે જોડવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાધલી ગામમાં ચાલતું આ આયોજન ખરેખર સામાજિક સમરસતા અને એકતાનું જીવંત પ્રતિબિંબ છે.

Back to top button
error: Content is protected !!