સમન્વય” સાંસ્કૃતિક મહોત્સવ

6 માસ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી. ડી. મોદી વિદ્યાસંકુલ, પાલનપુર ખાતે સ્વ. શ્રી શિરીષકુમાર મોદીની સ્મૃતિમાં “સમન્વય” સાંસ્કૃતિક મહોત્સવ તા. ૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ કે. ગિર્ધરલાલ ઓપન એર થિયેટર ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. બે દિવસીય આ મહોત્સવે કલા અને સંસ્કૃતિના વિવિધ સ્વરૂપોને એક જ મંચ પર રજૂ કર્યા હતા.
પ્રથમ દિવસે આર્ટ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી રમણિકભાઈ રાવલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રદર્શનમાં પેઇન્ટિંગ વિભાગના વર્તમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ચિત્રકૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને કળાપ્રેમીઓ તરફથી પ્રશંસા મળી હતી.આ બાદ એમ. એ. પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટસ કૉલેજના સંગીત વિભાગના નાદ પર્ણાશા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા સંગીત કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સંગીતમય રજૂઆતો દ્વારા વાતાવરણ મધુર બન્યું હતું. ત્યારબાદ આશિષ ઠાકર દ્વારા “પસ્લા ની અસલી” નાટ્યપ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં સંવાદ અને અભિનયે દર્શકોને પ્રભાવિત કર્યા હતા.
બીજા દિવસે ચિત્રકલા મહોત્સવ યોજાયો હતો, જેમાં તમામ કલા રસિક પ્રજાજનો તથા વિદ્યાર્થી મિત્રોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા અંતર્ગત કુલ પાંચ અલગ અલગ કેટેગરીમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આર્ટ એક્ઝિબિશન યથાવત્ ચાલુ રહ્યું હતું, જેમાં પેઇન્ટિંગ વિભાગના વર્તમાન તથા ભૂતપૂર્વ કલાકારોની કૃતિઓને સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ દિવસે નાદ પર્ણાશા ગ્રુપ દ્વારા સુંદર ગઝલોની રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે એમ. એ. પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટસ કૉલેજના વિદ્યાર્થી ખુશાલ પ્રજાપતિએ સ્ત્રી વેશમાં રાજસ્થાની લોકપ્રિય રજૂઆત કરી હતી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી.કાર્યક્રમના અંતમાં આનંદ અને શિસ્તભર્યા માહોલ વચ્ચે આનર્ત ડાન્સ કંપની દ્વારા “વિવિધા: મેનિફોલ્ડ મુડ્સ ઓફ કથક” ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. લયબદ્ધ પગલાં, અભિનય અને અભિવ્યક્તિ દ્વારા કથક નૃત્યના વિવિધ ભાવ અને મૂડ્સનું સુંદર પ્રદર્શન થયું હતું.
પાલનપુર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કળાપ્રેમીઓ અને શહેરજનો ઉપસ્થિત રહી સમગ્ર મહોત્સવને ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો હતો. “સમન્વય” મહોત્સવ શહેર માટે એક સ્મરણિય સાંસ્કૃતિક પ્રસંગ બની રહ્યો હતો.








