GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

નિયમ તોડી દબાણો, પાર્કિંગ અને ટ્રાફિક સમસ્યા સર્જતા તત્વોને ડામો : ગુજરાત હાઈકોર્ટ

શહેર સહિત રાજયભરમાં રખડતા ઢોરો, બિસ્માર રસ્તા, ટ્રાકિક-માર્ગો ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોના જીવને જોખમમાં મૂકતા અને આડેધડ-વારંવાર નિયમભંગ કરતા કે કાયદો તોડતા તત્વો વિરૂઘ્ધ સખ્તાઇથી અને લોખંડી હાથે કામ લો.

લારી- ગલ્લા સહિતના ગેરકાયદે દબાણો, ટ્રાફિકની વિકટ સમસ્યા, ગેરકાયદે પાર્કિંગ, રોંગ સાઇડ ડ્રાઇવીંગ સહિતની સમસ્યાઓ મામલે હાઇકોર્ટમાં કેસની સુનાવણી હોય ત્યારે જ અને તેટલા પૂરતી નહી પરંતુ સતત અને નિયમિત ધોરણે કાયમી નિરાકરણ આવે તે રીતે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરો. અમારે કાયમી સોલ્યુશન જોઇએ છે.

જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે નિર્દેશ કરતાં જણાવ્યું કે, રાજય સરકાર, અમ્યુકો સત્તાવાળાઓ અને પોલીસ તંત્રના સત્તાવાળાઓ દ્વારા જાહેર રસ્તાઓ પરના ગેરકાયદે દબાણો દૂર કરવા, ગેરકાયદે પાર્કિંગ હટાવવા સહિતના હાઇકોર્ટના હુકમોના પાલનની અમલવારી કરાવવી અને શહેરમાં સ્મુધ ટ્રાફિકની વ્યવસ્થા બની રહે તેવા પગલાં લેવા જોઇએ.

જયારે રિટ અરજીની સુનાવણી થાય કે કોર્ટ દ્વારા જયારે કોઇ હુકમ થાય ત્યારે જ નહી કે પ્રસંગોપાત નહી પરંતુ સત્તાવાળાઓએ આ તમામ પ્રક્રિયા-કામગીરી નિયમિત ધોરણે અને સતત કામગીરી કરવી. રાજય સરકાર, અમ્યુકો અને પોલીસ વિભાગ તરફથી લેવાયેલા પગલાં અને થયેલી કામગીરી અંગેના સોગંદનામાં અને આંકડાકીય માહિતીની હાઇકોર્ટે નોંધ લીધી છે.

સરકારપક્ષ તરફથી હાઇકોર્ટના હુકમની અમલવારી અને સતત અને નિયમિત કામગીરી કરવાની બાંહેધરી અપાતાં હાઇકોર્ટે કેસની વઘુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરાઇ હતી.

જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીટે અમ્યુકો અને પોલીસની કામગીરીની નોંધ લઇ સરકારપક્ષને બહુ માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, મિ.જીપી તમે બાંહેધરી તો આપી છે પરંતુ ઘ્યાન રાખજો. કારણ કે, બે વર્ષ પહેલાં પણ આવું જ થયુ હતુ. આ કેસની સુનાવણી મારી બેંચ સમક્ષ જ હતી અને એ વખતે પણ આવી રીતે ખાતરી અપાઇ હતી ને પછી કંઇ થયુ નહી. એટલે એક વાત મગજમાં રાખજો કે, જો હાઇકોર્ટના હુકમની અમલવારી નહી થાય તો કસૂરવાર અધિકારીઓની જવાબદારી બનશે. કારણ કે, આ એક સતત અને કાયમી ધોરણે કરવાની થતી કામગીરી અને પ્રક્રિયા છે, જો કામગીરી નથી થતી તો, પછી અદાલતના કિમતી સમયનો વેડફાટ થાય છે.

જસ્ટિસ એ.એસ.સુપહીયાએ તાજેતરનો તેમનો અનુભવ વર્ણવતાં કહ્યુ કે, બે ટીઆરબી જવાન કે કોન્સ્ટેબલ સોલા સિવિલ પાસે તૈનાત હતા,તે તેમની ડયુટી કરતો હતો છતાં લોકો તેનો જીવ જોખમમાં મૂકાય તે રીતે ઝડપથી વાહન હંકારતા રહ્યા હતા અને અટકયા ન હતા. તેની પાસે કોઇ વોકીટોકી કે બોડી વોર્ન કેમેરા કે કશું નહોતુ કે જેથી તે તેના ઉપરી અધિકારીને જાણ પણ ના કરી શકયો. આવી કોઇ ઘટના ઘટે કે નિયમભંગ કરે તો તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરી શકે તે માટે ફરજ પર તૈનાત કર્મીઓને વોકીટોકી કે બોડી વોર્ન કેમેરા સહિતની સુવિધા આપવી જોઇએ.

સરકારપક્ષ તરફથી કામગીરીની દાવાઓ અને ક્ષમતાઓના દાવા સાથે પગલાં લેવાની વાતો રજૂ કરવામાં આવતાં જસ્ટિસ સુપહીયાએ ટકોર કરી હતી કે, જો તમારી ક્ષમતા છે જ તો, તમે સતત અને નિયમિત રીતે કાયમી ધોરણે કેમ કામ કરતા નથી. કાયદો તોડનારા તત્વો ફરીને ફરી નિયમભંગ કરતા જોવા મળે છે. ચાર રસ્તા કે ટર્નીંગ પર લારી-ગલ્લાવાળા કે કીટલી સહિતના દબાણકર્તાઓ મોટા ભાગનો રોડ પચાવી પાડે છે અને 30 ટકા જ રસ્તો બચે છે.

Back to top button
error: Content is protected !!