GUJARATVALSADVALSAD CITY / TALUKO

યોગ દ્વારા વલસાડની ૫૭ વર્ષીય મહિલાએ રેર ઓફ ધ રેર કહેવાતી એંકિલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ HLA-B27 બિમારીથી છુટકારો મેળવ્યો

વાત્સલ્યમ સમાચાર
વલસાડ

પેઈન કિલરથી કામચલાઉ રાહત મળતી, કાયમી ઈલાજ થતો ન હતો પરંતુ યોગ-પ્રાણાયામ-ધ્યાનથી બિમારીનો કાયમી ઈલાજ થયોઃ વંદના ભારદ્વાજ

નિયમિત યોગાભ્યાસ કરવાથી વજન ૭૬ કિલોથી ઘટીને ૬ર કિલો થતા હવે વંદનાબેન સ્વસ્થજીવનનો અનુભવ કરી રહ્યા છે

યોગ દ્વારા પોતે બિમારીથી મુક્ત થતા હવે લોકોને સ્વસ્થ જીવન જીવવા મળે તે માટે રાજ્ય સરકારના યોગ બોર્ડ સાથે જોડાઈને નિઃશુલ્ક યોગ કલાસ ચલાવે છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની “મન કી બાત” કાર્યક્રમમાં મેદસ્વિતાથી મુક્તિ માટે દેશવાસીઓને આહવાહન કર્યુ હતું. જેને પુરી ઊર્જા અને ઉત્સાહ સાથે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઝીલી લઈ ગુજરાતને સ્વસ્થ અને મેદસ્વિતામુક્ત બનાવવા માટે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અભિયાનથી પ્રેરાઈને આજે અનેક લોકો પોતાનું સ્વસ્થ જીવન જીવતા થયા છે. જે પૈકી એક છે વલસાડના તિથલ રોડ ઉપર રહેતા ૫૭ વર્ષીય મહિલા વંદનાબેન ભારદ્વાજ. જેમને “રેર ઓફ ધ રેર” કહી શકાય તેવી બિમારી હતી પરંતુ યોગના સાનિધ્યમાં જવાથી તેમની આ બિમારી દૂર થઈ અને હવે તેઓ સ્વસ્થ જીવનશૈલી જીવી રહ્યા છે તો આવો તેમની પાસે જ જાણીએ કે, રાજ્ય સરકારના આ અભિયાનથી પ્રેરાઈને યોગ દ્વારા તેમણે કેવી રીતે પોતાની જીવનશૈલી બદલી અને સ્વસ્થ જીવન જીવતા થયા. વલસાડના તિથલ રોડ ઉપર નીલકંઠ વેલી પાસે લેન્ડમાર્ક રેસીડેન્સીમાં રહેતા ૫૭ વર્ષીય વંદનાબેન નવીનભાઈ ભારદ્વાજ જણાવે છે કે, પહેલા મારુ શરીર જકડાઈ જતુ હતું, આખા શરીરમાં દુખાવો થતો હતો. એક વાર સૂઈ ગયા બાદ પરિવારના બે-ત્રણ સભ્ય મળીને મને ઉઠાડવા પ્રયત્ન કરે તો પણ ઉઠી શકાતુ ન હતું. માઈગ્રેન સાથે અસહ્ય દુખાવો રહેતો હતો. ઉંમરની સાથે દર્દ પણ વધતુ જતું હતું. ડોકટરો પાસે તપાસ માટે જતી તો તેઓ પેઈન કિલર આપતા હતા. દવા લે એટલી વાર રાહત થાય ફરી પાછુ એ નો એ જ દુખાવો ચાલુ રહેતો હતો. જેથી એક દિવસ વલસાડના ખાનગી લેબોરેટરીમાં તપાસ કરાવતા તેમણે ખાનગી તબીબ પાસે મોકલ્યા હતા. જ્યાં તેમણે મારા લક્ષણો અને રિપોર્ટ જોઈને મને એંકિલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ (HLA-B27) બિમારી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલા તબીબે મને કહ્યું કે, વલસાડ જિલ્લામાં માત્ર ચાર જ કેસ અત્યાર સુધીમાં જોવા મળ્યા છે એટલે રેર ઓફ ધ રેર બિમારી કહી શકાય છે. ત્યારબાદ મને યોગ્ય સારવાર સાથે યોગ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી. જેથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેનો સંપર્ક કરી રાજ્ય સરકારના યોગ બોર્ડ સાથે જોડાઈ હતી. રોજ દોઢથી બે કલાક યોગના વિવિધ આસનો જેવા કે, ત્રિકોણ આસન, પાશ્વત્રિકોણાસન,પરિવર્તાત્રિકોણ આસન, ચક્રાસન, વીરભદ્રાસન, બોડી ટ્વિસ્ટીંગમાં અર્ધમત્સયેન્દ્રાસન, વક્રાસન, બકાસન, શીર્ષાસન જેવા આસનો સાથે ૧૨ વાર સૂર્યનમસ્કાર કરવાની શરૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, બિમારીને કારણે માનસિક સ્વાસ્થ્ય પણ બગડતુ હોય છે જેથી યોગ-પ્રાણાયામની સાથે ધ્યાન, નેત્રપક્ષાલન, જલનેતિ-સૂત્રનેતિ કરવાથી શરીરના અંદરના અવયવોની સફાઈ થઈ હતી. ખરેખર કહુ તો, યોગના કારણે મારા જીવનમાં હકારાત્મક બદલાવ આવ્યો છે. પહેલા મારુ વજન ૭૬ હતુ પરંતુ નિયમિત યોગાભ્યાસથી મારુ વજન ઘટીને અત્યારે કર કિલો છે. યોગથી મારા જીવનમાં ચમત્કાર સર્જાયો છે.

હાલ તંદુરસ્ત જીવન જીવતા વંદનાબેન કહે છે કે, પહેલાની વંદના અત્યારની વંદનામાં આસમાન જમીનનો ફરક છે. પહેલા મારા દિવસની સવાર દવા પીવાથી થતી હતી હવે યોગ-પ્રાણાયામ અને ધ્યાન સાથે સવાર થાય છે. હું પહેલા કરતા હવે સામાજિક રીતે પણ વધુ એક્ટિવ થઈ ગઈ છું. જેથી હવે મને એંકિલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ જેવી કોઈ બિમારી હતી કે કેમ તે પણ હુ ભુલી ગઈ છું. પહેલા મને એવુ લાગતુ હતું કે, મારી બિમારીનો કોઈ ઈલાજ નથી પરંતુ યોગ દ્વારા મારી બીમારીનો ઈલાજ શકય બન્યો છે. હવે હું સ્વિમિંગ પણ કરી શકુ છું. મારા જીવનમાં આવેલા આ બદલાવને કારણે હું યોગ તરફ વધુ આકર્ષાઈ હતી જેથી રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે હુ જોડાઈ હતી અને હાલમાં યોગનો ઘરે ઘરે પ્રચાર પ્રસાર કરવા માટે ફ્રીમાં યોગ કલાસ પણ ચલાવુ છુ. આ સાથે જ હું દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરુ છું કે, તેમણે દેશવાસીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી સ્વસ્થ ભારતનો સંકલ્પ કર્યો અને તેને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જેના કારણે આજે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને તંદુરસ્ત જીવનશૈલી માટે યોગ તરફ લોકો વળી રહ્યા છે. આપણે સ્વસ્થ રહેશું તો આપણી આસપાસનો માહોલ સ્વસ્થ રહેશે તો તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થશે.

Back to top button
error: Content is protected !!