આજ રોજ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે સંકલ્પ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું

12 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આજ રોજ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે સંકલ્પ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે આજ રોજ કેળવણી મંડળના હોદ્દેદારોશ્રીઓની ઉપસ્થિતિમાં સંકલ્પ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદર્શ છાત્રાલયમાં રહીને *ધોરણ- 9 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચૌધરી ક્રિશ વિજયભાઈ તારીખ- 27/02/2026 ના રોજ છાત્રાલયમાંથી ઘરે જવા નીકળેલ પરંતુ આજ દિન સુધી પોતાના ઘરે પરત ફરેલ નથી.* સંસ્થા દ્વારા, પોલીસ દ્વારા, તેના પરિવાર તથા સગા-સંબંધીઓ દ્રારા તથા સોશિયલ મીડિયા અને સામાજિક વ્યક્તિઓ દ્વારા ઘણી શોધ-ખોળ કરેલ, પણ આજ દિન સુધી કોઈ ભાળ મળેલ નથી. તો આ પ્રાર્થના સભામાં કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ અને શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફમિત્રોએ હૃદયદ્રવી અને લાગણીસભર શબ્દો દ્વારા ક્રિશ ચૌધરી પોતાના ઘરે હેમ-ખેમ પરત ફરે અને પોતાનો અભ્યાસ તંદુરસ્ત વાતાવરણમાં ફરી શરૂ કરે તેવી પ્રભુને પ્રાર્થના કરી હતી. સમગ્ર શાળાના વિદ્યાર્થીઓએ પણ આ સંકલ્પ પ્રાર્થના સભામાં ક્રિશ ચૌધરી જ્યાં હોય ત્યાં સ્વસ્થ અને સલામત હોય તથા ભગવાન તેને પોતાના ઘરે પરત ફરવાની સદબુદ્ધિ આપે એવી સામૂહિક પ્રાર્થના કરી હતી..







