
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ખેલો ઇન્ડિયા અંતર્ગત ઝારખંડ ખાતે આયોજિત ટ્રાયબલ રનિંગ સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ઉભારતા સિતારા સંતોષ ગાવીતે દ્વિતીય સ્થાન મેળવી જિલ્લાના તેમજ રાજ્યના ખેલ જગતને ગૌરવ અપાવ્યું છે. આ સિદ્ધિથી ડાંગ જિલ્લાના યુવા ખેલાડીઓમાં ઉત્સાહનો નવો સંચાર થયો છે.સંતોષ ગાવીતની પારિવારિક આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોવા છતાં તેમણે અડગ ધૈર્ય, કઠોર મહેનત અને સતત લગાવથી રોજિંદી પ્રેક્ટિસ ચાલુ રાખી છે. તેમના આ સમર્પણના પરિણામે તેઓ ડાંગ ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમે રહ્યા, યુનિવર્સિટી સ્તરે પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું તેમજ સાંસદ ખેલ મહાકુંભમાં પણ પ્રથમ ક્રમે રહી અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ પોતાના નામે નોંધાવી છે.છેલ્લા બે વર્ષથી સંતોષ ગાવીતે નિષ્ઠાપૂર્વક મહેનત કરી છે, જેમાં સાપુતારાના કોચ અલ્કેશભાઈ તથા સુરેશભાઈ ચૌધરીનો માર્ગદર્શન અને સહયોગ અત્યંત મહત્વનો રહ્યો છે.સંતોષને જ્યારે પણ કોઈ મદદની જરૂર પડી, ત્યારે આ બંને માર્ગદર્શકો દરેક રીતે મદદરૂપ બન્યા છે.૨૦ વર્ષીય સંતોષ ઉત્તમભાઈ ગાવીત, નિવાસી ગાઢવી ગામ, હાલમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને રનિંગની કઠોર તાલીમ લઈ રહ્યા છે. અમને દૃઢ વિશ્વાસ છે કે આવનાર સમયમાં આ ડાંગનો યુવાન ખેલાડી ગુજરાત તેમજ ભારતનું નામ વિશ્વપટ પર ઉજાગર કરશે અને અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે..





