વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસાદ પડી રહ્યો છે.જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યુ છે.ડાંગ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે છેલ્લા બે ત્રણ દિવસથી મુખ્ય નદીઓ જેવી કે અંબિકા, ખાપરી, ગીરા, પૂર્ણા અને ધોધડ ગાંડીતૂર બની બે કાંઠે વહી રહી છે.જેમાં સમયાંતરે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના જોવા મળી રહી છે.સાથે નીચાણવાળા અમુક કોઝવે ડ્રેનેજ અને ઓવરટોપિક થવાનાં પગલે અંતરિયાળ વિસ્તારનાં માર્ગો પરની અવરજવર અટકી ગઈ છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ હોવા છતા, ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓનું ઘોડાપૂર જોવા મળ્યુ છે.ખાસ કરીને શુક્રવાર, શનિવાર અને રવિવારની રજાઓને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા ખાતે ઉમટી પડ્યા હતા.વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસે વાતાવરણને વધુ મનમોહક બનાવ્યુ હતુ.જેના કારણે પ્રવાસીઓ કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા.આ દરમિયાન, કેટલાક પ્રવાસીઓએ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ અનોખો અનુભવ તેમના માટે યાદગાર બની રહ્યો હતો.આ ભારે વરસાદને કારણે વઘઇ નજીકનો પ્રખ્યાત ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે.ધોધનું પાણી ધસમસતા વેગે નીચે પડી રહ્યુ છે, જે એક અદ્ભુત દ્રશ્ય રજૂ કરે છે.અહી પણ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આ ધોધની મુલાકાત લઈ રહ્યા છે અને તેની સુંદરતાને કેમેરામાં કેદ કરી રહ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સલામતી માટે જરૂરી પગલા લેવામાં આવ્યા છે.સમગ્ર ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નદીનાં પટમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 21 મિમી,વઘઇ પંથકમાં 24 મિમી,સાપુતારા પંથકમાં 24 મિમી,આહવા પંથકમાં 27 મિમી અર્થાત 1.08 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.