AHAVADANGGUJARAT

સાપુતારા એકલવ્ય સ્કુલના સંચાલકોની બેદરકારીએ મટકી ફોડ કાર્યક્રમમાં વિદ્યાર્થી 50 ફૂટ ઉચ્ચેથી પટકાતા પગ ત્રણ જગ્યાએ તૂટયો…

*ડાંગ જિલ્લામાં પ્રાયોજના વહીવટદારનાં બખડજંતરનાં પગલે આદિજાતિ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ સર્જાયા.*           

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

*ડાંગ જિલ્લામાં પ્રાયોજના વહીવટદારનાં બખડજંતરનાં પગલે આદિજાતિ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નાર્થ સર્જાયા.*

ગિરિમથક સાપુતારાની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં શાળા સંચાલકોની બેદરકારીને પગલે  સુરક્ષાનાં સાધનો વિના મટકી ફોડનો કાર્યક્રમ યોજાતા 50 ફૂટની ઊંચાઈથી એક વિદ્યાર્થી પટકાતા ગંભીર ઇજા સાથે પગમાં ત્રણ ફેક્ચર થતા વિદ્યાર્થીનું ભાવિ ધુંધળું થતા વિધાર્થીનાં પરિવારની કફોડી સ્થિતિ સર્જાઈ છે.મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા પ્રાયોજના કચેરી સંચાલિત એકલવ્ય રેસિડેન્સીયલ સ્કૂલ સાપુતારા શૈક્ષણિક પ્રવૃતિઓ કરતા ઈતર પ્રવૃતિઓ માટે ખુબ બદનામ થઇ ચુકી છે.ગત તા. 26મી ઓગષ્ટ સોમવારનાં રોજ અનરાધાર વરસાદમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ સાપુતારા ખાતે જન્માષ્ટમીની ઉજવણી નિમિતે મટકી ફોડનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો,જેમાં ધો 12નાં વિદ્યાર્થીઓને ભાગ લેવા જણાવાયુ હતુ.અહી શાળાનાં આચાર્ય સહીત સ્ટાફે મટકીફોડ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની સુરક્ષાની કોઈ પરવા કર્યા વગર 50 ફૂટ ઊંચે મટકી લટકાવી હતી.તેમજ મટકી ફોડના સ્થળે કોઈ ગાદલા  કે ઘાસ પાથર્યા વગર અનરાધાર વરસતા વરસાદમાં કાર્યક્રમ કરતા ભયજનક રીતે શાળાના બાળકોએ ભાગ લેતા સૌથી ઉપર ધો 12 કોમર્સમાં અભ્યાસ કરતા જીતેશભાઇ એ મટકીફોડ વખતે સંતુલન ગુમાવી દેતા તે નીચે પટકાયો હતો,જેમાં તેને પગમાં ત્રણ જગ્યાએ ફેક્ચર થતા તેને વધુ સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો છે.ત્યારે સવાલ એ થાય છે કે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ માટે મટકી ફોડનો કાર્યક્રમ આયોજિત કર્યો ત્યારે તેમની સુરક્ષા અંગે કેમ કોઈ સર્વે કરાયો નહતો.ડાંગનાં આદિવાસી વાલીઓ પોતાનાં વ્હાલસોયા બાળક ઉચ્ચ અભ્યાસ કરી નામ મેળવે તે માટે આદિજાતિની એકલવ્ય શાળામાં સંચાલકોના ભરોસે સ્કૂલમાં ભણવા મુકતા હોય છે.ત્યારે શું જન્માષ્ટમીની ઉજવણી એ શૈક્ષણિક સત્રનો ભાગ છે ? કારણ ભલે જે કઈ પણ હોય પરંતુ ડાંગ જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર રાજ સુથાર અને શાળા સંચાલકોની ગંભીર બેદરકારીને પગલે ડાંગનાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓનું ભાવિ આ ઘટના બાદ ધુંધળુ થતા તેની ભરપાઈ આદિજાતિ પ્રયોજના વહીવટ દાર કરશે કે પછી આ ઘટનાને દબાવી આદિવાસી વિદ્યાર્થીને અન્યાય કરશે તે આવનાર સમયમાં જ માલુમ પડશે.આમ ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર રાજ સુથાર અને એકલવ્ય શાળા સંચાલકોની બખડજંતર નિતીનાં પગલે ગરીબ આદિવાસી વિદ્યાર્થીનો જીવ જોખમમાં મૂકી સુરક્ષાના કોઈ સાધનો વગર મટકીફોડનું આયોજન કરનાર સંચાલકો દ્વારા ગરીબ આદિવાસી વિદ્યાર્થીને હોસ્પીટલનો ખર્ચ આપશે કે કેમ તે પણ સવાલ ઉઠ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાપુતારા એકલવ્ય ગર્લ્સની બાળાઓને શૈક્ષણિક પ્રવૃતિઓને બદલે મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલમાં મનોરંજન માટે પેશ કરતા અખબારોમાં અહેવાલ પ્રગટ થતા વાલીઓમાં ભારે રોષ ફેલાતા ઉહાપોહ ઉભો થયો હતો,સાથે ડાંગનાં અગ્રણીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.જેમાં ડાંગ જિલ્લા પ્રયોજના વહીવટદાર રાજ સુથારે અનન ફાનનમાં શાળાની બાળાઓએ કૃતિ પ્રસ્તુતી માટે રકમ આપવાનું ઠેરવ્યુ હતુ.ત્યારે હાલ મટકી ફોડ કાર્યક્રમમાં ગંભીર ઇજા અને પગમાં થયેલ ફ્રેક્ચર માટે ડાંગ જિલ્લા આદિજાતિ પ્રયોજના વહીવટદાર રાજ સુથાર તથા શાળાના આચાર્ય અને કાર્યક્રમનું આયોજન કરનાર સ્ટાફ દ્વારા ગરીબ વિધાર્થીનાં પરિવારને હોસ્પિટલનો ખર્ચ અપાવવા આગળ આવશે કે કેમ તેવો સવાલ વિદ્યાર્થીના વાલી કરી રહ્યા છે.ત્યારે આ સમગ્ર  બાબતે રાજ્યનાં આદિજાતિ વિભાગનાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર અને એકલવ્ય શાળા સંચાલકો સામે કડક પગલા ભરે તેવી માંગ ઉઠી છે..

Back to top button
error: Content is protected !!