AHAVADANGGUJARAT

સાપુતારામાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી કુહાડીના ઘા ઝીંકી હત્યા કરનાર પતિ ની સાપુતારા પોલીસએ ધરપકડ..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારાના નવાગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પતિએ પોતાની જ પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે. પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવળા તાલુકાના સટવાઇચી વાડી ગામનો રહેવાસી ૩૩ વર્ષીય પ્રહલાદભાઇ વિષ્ણુભાઇ આહેર હાલ સાપુતારાના નવાગામ વિસ્તારમાં રહેતો હતો. પ્રહલાદને તેની પત્ની સવિતાના અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકા હતી. આ શંકાના કારણે દંપતી વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડાઓ થતા રહેતા હતા. આજરોજ પણ આ જ બાબતે ઝઘડો થતા આવેશમાં આવી ગયેલા પતિ પ્રહલાદે પત્ની સવિતાને જાનથી મારી નાખવાના ઈરાદે કુહાડી વડે ગળાના ભાગે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેના પરિણામે સવિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.આ ચકચારી ખૂન કેસની જાણ થતા જ સાપુતારા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓના આરોપીઓને સત્વરે શોધી કાઢવા માટે આપવામાં આવેલી સૂચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક (આહવા વિભાગ) ના સીધા માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.ડી. ગોંડલીયા અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.સાપુતારા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના આરોપી પતિ પ્રહલાદ વિષ્ણુભાઇ આહેરને પકડી પાડી તેની ધરપકડ કરી લીધી છે.સાપુતારા પોલીસે આ ગુના સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. પકડાયેલ આરોપીની ઉંમર ૩૩ વર્ષ છે અને તે મૂળ મહારાષ્ટ્રના નાશિકનો વતની છે. ચારિત્ર્ય પરની શંકાના વહેમમાં એક હસતા-રમતા પરિવારમાં લોહીની હોળી ખેલાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ સાપુતારા પોલીસે આ મામલે વધુ પુરાવા એકત્રિત કરી આગળની કાનૂની કાર્યવાહી કરી રહી છે..

Back to top button
error: Content is protected !!