આણંદ – લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો મકાન વેચ્યા બાદ પણ દંપતીએ કબજો ન છોડ્યો.

આણંદ – લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધાયો મકાન વેચ્યા બાદ પણ દંપતીએ કબજો ન છોડ્યો.
તાહિર મેમણ – આણંદ – 28/07/2025 – આણંદ શહેરમાં દંપતિએ મકાન વેચાઈ ગયા બાદ પણ કબ્જો ન છોડતાં મામલો પોલીસમથકે પહોંચ્યો છે. પોલીસે આ દંપતિ વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે. આણંદમાં સરદારગંજ પાછળ આવેલ સ્વામીનારાયણ સોસાયટી રોડ પર રહેતાં નીશાબેન કેતનભાઈ પટેલે 13 જૂન 2023ના રોજ સીટી સર્વે નંબર-818, ટી.પી-3 વાળું મકાન તેના મૂળ માલિક તેજેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ પાસેથી રૂપિયા 62,16,000માં ખરીદ્યું હતું.
વેચાણ દસ્તાવેજ કરાવ્યા બાદ તેજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, તેઓ થોડા દિવસોમાં અમેરિકા જવાના હોવાથી હાલ મકાનમાં રહે છે. તેઓ અને તેમના પત્ની હિરલબેન અમેરિકા જતા રહેશે ત્યારે મકાન ખાલી કરી આપશે. આ વાતને નીશાબેને સંમતિ આપી હતી.
બે મહિના બાદ આ દંપતિએ પોતાનો સરસામાન મકાનના એક રૂમમાં મૂકી, મકાનની ચાવી નીશાબેનને સોંપી હતી. ત્યારબાદ નીશાબેને માર્ચ-2024 સુધીમાં વેચાણ દસ્તાવેજના અવેજ પેટે બાકી 5,53,840 રૂપિયા તેજેન્દ્રભાઈને ચૂકવી આપ્યા હતા. તેમણે મકાનનો રૂમ ખાલી કરવા જણાવ્યું હતું.
તેજેન્દ્રભાઈએ 30 એપ્રિલ 2024ના રોજ રૂમ ખાલી કરી આપવાનો વાયદો કર્યો હતો. નીશાબેન તે દિવસે તેજેન્દ્રભાઈની ઓફિસે ગયા હતા. ત્યારે તેજેન્દ્રભાઈએ બે દિવસ બાદ રૂમ ખાલી કરી આપવાની ખાતરી આપી હતી.પરંતું ખાલી ન કારતાઆણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે તેજેન્દ્રભાઈ પટેલ અને તેમના પત્ની હિરલબેન વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




