AHAVADANGGUJARAT

સાપુતારાનો પ્રવાસ હવે બારેમાસ,સાપુતારા વેકેશન ફેસ્ટિવલ ૨૦૨૫’ નો ક્લેક્ટર શાલિની દુલ્હનના હસ્તે કરાયો પ્રારંભ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કલેકટર શાલિની દુહાનની ઉપસ્થિતિમાં ‘સાપુતારા વેકેશન ફેસ્ટિવલ ૨૦૨૫’ નો પ્રારંભ.દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ એવી આદિવાસી કલા અને ડાંગી નૃત્યના તાલે આહલાદક વાતાવરણમાં પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે આજથી ‘સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫’નો પ્રારંભ થયો છે.ગુજરાતનું સૌથી લોકપ્રિય અને એકમાત્ર હિલ સ્ટેશન, જ્યાં ચોમાસા દરમિયાન લોકકલા અને કુદરતી સૌંદર્યનો સમન્વય જીવંત તહેવાર બની જાય છે. વેકેશનની અસલી મજા, પ્રાકૃતિક સૌંદર્ય, સંસ્કૃતિ અને મનોરંજક કાર્યક્રમોની લિજ્જત માણવા પ્રવાસીઓ સાપુતારાના સોહામણા પર્યટક સ્થળે ઉમટી પડતા હોય છે.પ્રકૃતિ અને સંસ્કૃતિના સમન્વય સમા ‘સાપુતારા પ્રવાસ, હવે બારે માસ’ સૂત્ર સાથે શરૂ થયેલા ‘વેકેશન ફેસ્ટિવલ ૨૦૨૫’નો ઉદ્ઘાટન સમારોહ ડાંગ જિલ્લા કલેકટર શાલિની દુહાનના હસ્તે તા.૨૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાકે થવા પામ્યો છે.

ડાંગ જિલ્લા વહીવટી તંત્ર, અને નોટિફાઈડ એરિયા કચેરી-સાપુતારા દ્વારા આયોજિત આ ફેસ્ટિવલ તા. ૨૭ ઓક્ટોબરથી તા.૫ નવેમ્બર  સુધી ચાલશે. ૧૦ દિવસ સુધી રોજેરોજ નવા આકર્ષણ સાથે ચાલનારા આ મહોત્સવમાં ઓપરેશન સિંદૂર થીમ, સાંસ્કૃતિક અને સંગીત કોન્સર્ટ, ક્રાફટ અને આદિવાસી કલા વર્કશોપ, આઉટડોર અને સાહસિક પ્રવૃતિઓ, સ્થાનિક વ્યંજનો અને સેલ્ફી પોઇન્ટ જેવા આકર્ષણો સાથે આજથી આ ભવ્ય ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે.ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ‘સાપુતારા પ્રવાસ હવે બારે માસ’ ના સૂત્રને સાર્થક કરવા તેમજ દિવાળી વેકેશન માણવા સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓને પુરતુ મનોરંજન મળી રહે અને સ્થાનિકો માટે રોજગારી પુરી પાડી શકાય તેવા ઉદેશ્ય સાથે સાપુતારા વેકેશન ફેસ્ટિવલ-૨૦૨૫ નો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમ સમારોહના ઉદ્ઘાટક જિલ્લા કલેકટર  શાલિની દુહાને પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતુ.

સાપુતારાનું સૌંદર્ય અને વરસાદનો વૈભવ જ્યારે સાથે મળે ત્યારે સોનામાં સુગંધ ભળે છે. આ સુગંધને માણવાનો શ્રેષ્ઠ અવસર એટલે જ સાપુતારામાં યોજાનાર વિવિધ ફેસ્ટિવલ છે. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ ઉપરાંત બારે માસ પ્રવાસીઓની અવરજવર થતી રહે તે માટે ‘સાપુતારા વેકેશન ફેસ્ટિવલ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. સાપુતારામાં દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને અને જંગલોનાં દ્રશ્યો લોકોને ખૂબ આકર્ષિત કરે છે તેમ કલેકટરે કહ્યું હતુ.સાપુતારાના પહાડ, લીલીછમ ખીણો અને ઝરણાં સૌને મંત્રમુગ્ધ કરી દે છે.  દક્ષિણ ગુજરાતનું આ પર્યટન સ્થળ સમગ્ર દેશ-વિદેશમાં લોકપ્રિય બની રહ્યું છે. સાપુતારા પ્રકૃતિપ્રેમીઓ અને એડવેન્ચર પ્રેમીઓ માટે એકદમ યોગ્ય પ્રવાસન સ્થળ છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સાપુતારાને સ્થાનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા તથા મોન્સૂન દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવાના ઉદ્દેશથી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯થી કરાવ્યો હતો. જે પરંપરાને જાળવી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા આજે અહીં સાપુતારા વેકેશન ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમ કલેકટરે વધુમાં જણાવ્યું હતુ.સાપુતારામાં ઉજવાતા વિવિધ ફેસ્ટિવલના પરિણામે સ્થાનિક આદિવાસી સમુદાયની પરંપરા, નૃત્ય, સંગીત અને હસ્તકલાને પ્રોત્સાહન મળ્યું છે. મહિલાઓ, હોટલ અને પરિવહન વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને કલાકારોને રોજગારીની તકો પ્રાપ્ત થઈ છે તેમ કલેકટરે જણાવ્યું હતુ.સાપુતારા વેકેશન ફેસ્ટિવલ સાથે હેન્ડીક્રાફ્ટની ચીજ-વસ્તુઓના વેચાણ માટે સર્પગંગા તળાવ નજીક ક્રાફ્ટ  મેળાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં  દેશના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક વાતાવરણમાં ખીલેલા કૃષિ ઉત્પાદનો તેમજ હેન્ડીક્રફ્ટ જેવી ચીજવસ્તુઓ ખરીદવા લોકોને અપીલ કરવામા આવી છે.આ ઉદ્ઘાટન સમારોહની સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પારંપરિક આદિવાસી નૃત્ય, ગરબા-રાસ, ભાંગડા નૃત્ય, રાઠવા નૃત્ય તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ડાંગી નૃત્ય રજૂ કરાયા હતા. સાપુતારા ખાતે વેકેશન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવા, પોલીસ અધિક્ષક પૂજા યાદવ, નિવાસી અધિક કલેકટર ડો. વી. કે. જોષી, પ્રાંત અધિકાર કાજલ આંબલીયા, ચીફ ઓફિસર યુ.વી.પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી  જીગ્નેશ ત્રિવેદી, સહિતના અધિકારીઓ, સાપુતારા હોટેલ એસોસિઅનના સેક્રેટરી તુકારામભાઈ કરડીલે, સ્થાનિક આગેવાન યશવંતભાઈ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો તેમજ કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા..

Back to top button
error: Content is protected !!