વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારાનાં સનસેટ પોઈન્ટ પર નોટીફાઈડની ‘આડોડાઈ’થી કરોડોનું રોકાણ ધૂળ ખાય છે..!સરકારની કરોડોની ગ્રાંટ ધૂળ ખાતા ભાજપાનાં ડબલ એન્જીનની સરકારનો વિકાસ દુર્દશાનાં આરે..
ગુજરાતનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓ માટેનાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ગણાતા સૂર્યાસ્ત પોઈન્ટને નોટિફાઈડ એરિયાની કથિત ‘આડોડાઈ’ અને અવ્યવસ્થાના કારણે બંધ રાખવામાં આવતા તંત્રની બેદરકારી અને આયોજનનો અભાવ ખુલ્લો પડી ગયો છે.કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ પામેલો આ પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લો ન મુકાતા, સરકારી નાણાનો વેડફાટ થવાની સાથે પ્રવાસન ઉદ્યોગને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.કરોડોના ખર્ચે બનેલું શોપિંગ સેન્ટર ફાળવણી વગર ધૂળ ખાય છે.સૂર્યાસ્ત પોઈન્ટને વધુ સુવિધાયુક્ત અને આકર્ષક બનાવવા માટે પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હતા. આ વિકાસના ભાગરૂપે અહીં આધુનિક શોપિંગ સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી સ્થાનિક વેપારીઓને રોજગારી મળે અને પ્રવાસીઓને જરૂરી વસ્તુઓ મળી રહે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, આ શોપિંગ સેન્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ પણ સાપુતારા નોટિફાઈડ એરિયાની નીતિ અને નફ્ફટાઈના કારણે તેની ફાળવણી થઈ શકી નથી.ફાળવણીના અભાવે આ નવનિર્મિત દુકાનો ધૂળ ખાઈ રહી છે. જે હેતુથી આ માળખું ઊભું કરવામાં આવ્યું હતું, તે હેતુ સિદ્ધ થયા વગર જ સરકારી તિજોરીના કરોડો રૂપિયાની રકમ બિનઉપયોગી પડી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે નોટિફાઈડ એરિયા દ્વારા ફાળવણી પ્રક્રિયામાં દાખવવામાં આવતી આડોડાઈને કારણે આ શોપિંગ સેન્ટર જર્જરિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.એક તરફ ગુજરાતની ડબલ એન્જીનવાળી સરકાર પ્રવાસનને વેગ આપવા માટે મોટી-મોટી જાહેરાતો કરે છે, ત્યારે બીજી તરફ સાપુતારાના સનસેટ પોઈન્ટ જેવું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. સૂર્યાસ્ત પોઈન્ટ એ હજારો પ્રવાસીઓ માટે સાપુતારાની સફરનો મુખ્ય હિસ્સો હોય છે. પોઈન્ટ બંધ હોવાથી પ્રવાસીઓને સૂર્યાસ્તના અદ્ભુત નજારાથી વંચિત રહેવું પડે છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.જો આ સ્થિતિ વધુ સમય સુધી જળવાઈ રહેશે, તો સરકારે કરોડોના ખર્ચે તૈયાર કરાવેલું આ માળખું આવનારા દિવસોમાં જર્જરિત બની જશે.માત્ર બિલ્ડિંગ જ નહીં, પરંતુ સરકારના કરોડો રૂપિયાને પણ ધૂળ લાગી જશે. સનસેટ પોઈન્ટ બંધ રખાતા, વિકાસના નામે કરવામાં આવેલા આંધળા ખર્ચ અને નબળા આયોજનની પોલ ખુલ્લી પડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ સનસેટ પોઈન્ટ પર ચાલી રહેલા વિકાસના કામોની ડિઝાઈન અને આયોજન સામે વિવાદ થયો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલે પણ સ્થળ નિરીક્ષણ બાદ પ્રવાસન વિભાગને લેખિતમાં ફરિયાદ કરી હતી કે અહીંની કેટલીક ડિઝાઈન ‘સ્મશાન ભૂમિ’ જેવી લાગે છે અને યોગ્ય સંકલન વિના કામ થઈ રહ્યું છે. આ ફરિયાદ બાદ પણ તંત્રએ કોઈ બોધપાઠ લીધો ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આજે પણ વહીવટી અવ્યવસ્થાને કારણે મહત્વનું પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે બંધ છે.ત્યારે સવાલ એ છે કે ગુજરાત પ્રવાસન વિભાગ અને સાપુતારા નોટિફાઈડ એરિયા ક્યારે ભેગા થઈને નિર્ણય લેશે, જેથી સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને પ્રવાસીઓ સાપુતારાના અદભુત સૂર્યાસ્તના દ્રશ્યનો ફરીથી આનંદ માણી શકે. આ મામલે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને સૂર્યાસ્ત પોઈન્ટને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાવે તે જરૂરી બન્યું છે..