GUJARATNANDODNARMADA

‘સરદાર@150’ રાષ્ટ્રીય એકતા પદયાત્રા એકતાના સંદેશ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી

‘સરદાર@150’ રાષ્ટ્રીય એકતા પદયાત્રા એકતાના સંદેશ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પહોંચી

 

સરદાર સાહેબની વિશ્વ વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરતાં કેન્દ્રીય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ અને દેશભરના પદયાત્રીઓ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે કરમસદથી ૨૬ નવેમ્બરે પ્રારંભ થયેલી ‘સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા’ આજે સવારે ૧૫૨ કિલોમીટરનું અંતર કાપી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે પહોંચી હતી.

આ ઐતિહાસિક પદયાત્રાના સમાપન સમારોહમાં કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી રાજીવ રંજન સિંહ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી રક્ષા ખડસે, સાંસદ સર્વ મનસુખભાઇ વસાવા અને જશુભાઈ રાઠવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત દેશભરના 150 પદયાત્રીઓ, કરમસદથી જોડાયેલા યુવકો તથા સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતાં.

મહાનુભાવોની ઉપસ્થિતિમાં જ્યારે પદયાત્રીઓએ એક સ્વરે ‘વંદે માતરમ્‌’, ‘ભારત માતા કી જય’, ‘જય હિન્દ’ તથા ‘જય સરદાર’ના ગગનભેદી નારા લગાવ્યા, ત્યારે આખું એકતાનગર દેશભક્તિની અદ્દભૂત લહેરથી ગુંજી ઉઠ્યું હતું.

 

સરદાર પટેલની વિશ્વવિખ્યાત પ્રતિમા સામે પહોંચતાની સાથે જ પદયાત્રીઓએ ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી. તેમના માટે આ ક્ષણ દેશની એકતા, અખંડિતતા તથા રાષ્ટ્રીય ગૌરવનું જીવંત પ્રતીક બની રહી હતી.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચતા મંત્રીઓએ અને દેશભરના પદયાત્રીઓએ સરદાર સાહેબની વિશ્વ વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરીને તેમને ભાવાંજલિ આપી હતી.

 

નર્મદા જિલ્લાના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાંથી પસાર થતી આ પદયાત્રાનું દરેક ગામે ફૂલોના વરસાદ, ઢોલ-નગારાં તથા ભાવભીના આવકાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોના આ અભૂતપૂર્વ પ્રેમ તથા ઉત્સાહથી પદયાત્રીઓનું મનોબળ વધુ બુલંદ બન્યું હતું

Back to top button
error: Content is protected !!