GUJARATNANDODNARMADA

નર્મદા : કરમસદથી પ્રારંભ થયેલી ‘સરદાર@150’ રાષ્ટ્રીય એકતા પદયાત્રાની ૧૧ દિવસના પરિભ્રમણ બાદ એકતાનગરમાં પૂર્ણાહુતિ

નર્મદા : કરમસદથી પ્રારંભ થયેલી ‘સરદાર@150’ રાષ્ટ્રીય એકતા પદયાત્રાની ૧૧ દિવસના પરિભ્રમણ બાદ એકતાનગરમાં પૂર્ણાહુતિ

 

એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે: ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન

રાજપીપળા : જુનેદ ખત્રી

 

લોખંડી પુરૂષ, દેશના પ્રથમ ગૃહમંત્રી, ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલનેની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે તેમને સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી ‘સરદાર@150’ રાષ્ટ્રીય એકતા પદયાત્રા ૧૧ દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પરિસરમાં પૂર્ણ થઈ હતી. એકતા પદયાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણને આ પદયાત્રાને ભારતના અમર આત્માના ઉત્સવ તરીકે ગણાવી હતી. એકતા પદયાત્રા દેશના જન અને મનને જોડવાનું માધ્યમ બની છે, જેમાં એકતા, કર્તવ્ય અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સમન્વય જોવા મળ્યો હોવાનું ગર્વભેર જણાવ્યું હતું. .

ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, સરદાર પટેલ આપણા શ્રેષ્ઠ રાષ્ટ્રીય નાયક હતા, જેમણે કુશળ નેતૃત્વ પૂરૂ પાડીને ૫૬૦થી વધુ રજવાડાઓને એકીકૃત કર્યા. એક અને અખંડ ભારતના નિર્માણમાં સરદાર સાહેબનું યોગદાન પેઢીઓ સુધી અમર રહેશે.

દેશભરમાં ૧૩૦૦ થી વધુ પદયાત્રાઓમાં ૧૪ લાખથી વધુ યુવાનોની ભાગીદારી એ સિદ્ધ કરે છે કે સરદાર પટેલ દ્વારા પ્રજ્વલિત એકતાની જ્યોત આજે પણ પ્રજ્વલિત છે એમ ગૌરવ સાથે જણાવતા તેમણે એમ પણ કહ્યું કે, સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઈચારા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે.

 

આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અપનાવી ‘આત્મનિર્ભર ભારત’ના નિર્માણના શપથ ગ્રહણ કર્યા હતા.

 

નોંધનીય છે કે, સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રા તા.૨૬ નવે.ના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી. ૧૧ દિવસ ચાલેલી આ યાત્રા આણંદ ઉપરાંત વડોદરા, નર્મદા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરી તા.૬ ડિસે. ના રોજ નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી હતી. રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાયેલા ઉર્જાત્મક યુવા પેઢી, મહાનુભાવો-જનપ્રતિનિધિઓ, સામાજિક સંસ્થા, સ્વયંસેવકો, સ્થાનિક નાગરિકોએ આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા જનજન સુધી એકતાનો સંદેશો આપ્યો હતો.

 

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે, કેન્દ્રીય રાજ્યમંત્રી તોખન સાહુ, સ્વરાજ આશ્રમ- બારડોલીના ટ્રસ્ટી નિરંજનાબેન કલાર્થી, સાંસદ મનસુખભાઈ વસાવા અને જશુભાઈ રાઠવા, જિ.પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી, ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, પદયાત્રીઓ, મોટી સંખ્યામાં સરદારપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!