ભરૂચ: “No Drugs in Bharuch Campaign” હેઠળ પોલીસે 1.70 લાખનો ગાંજાનો જથ્થો ઝડપ્યો, એક આરોપીની ધરપકડ
સમીર પટેલ, ભરૂચ
“No Drugs in Bharuch Campaign” અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, ભરૂચ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એ. ઝાલા અને તેમની ટીમે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જેમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ચોક્કસ બાતમીના આધારે સરકારી પંચોની હાજરીમાં પોલીસે કેલોદ ગામની સીમમાં આવેલા બસીર અહેમદભાઈ પટેલના કબજાવાળા પોલ્ટ્રી ફાર્મની ખેતરની જગ્યામાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, પોલીસને આરોપી અરવિંદ સાહેબસિંહ ગૌડ (ઉંમર ૨૮, મૂળ રહેવાસી નાદીયા ગામ, તા. કેસલી, જી. સાગર, મધ્ય પ્રદેશ, હાલ રહે. કેલોદ ગામ) દ્વારા ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાના ૧૦ લીલા છોડ મળીને કુલ ૧,૬૯,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી અરવિંદ ગૌડ વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ, ૧૯૮૫ની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ભરૂચ પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં નશાકારક પદાર્થોના પ્રસારને અટકાવવા માટે પોલીસ તંત્ર સતર્ક અને કટિબદ્ધ છે. આ સફળ ઓપરેશન “No Drugs in Bharuch Campaign” માટે એક મોટી સિદ્ધિ ગણાવી શકાય છે.